કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે અયોધ્યા ભારતમાં નથી પરંતુ બિરગંજમાં સ્થિત એક નાનું ગામ છે. તેમણે ભગવાન રામને નેપાળના કહ્યા હતા. ઓલીના નિવેદનથી અયોધ્યાના સંતો નારાજ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે નેપાળના વડા પ્રધાને ચીનના દબાણમાં આ નિવેદન આપ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે કહ્યું કે, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં સરયૂ નદીના કિનારે થયો હતો. સીતાજી નેપાળના હતા તે સાચી વાત છે પરંતુ ભગવાન રામ નેપાળના છે તે દાવો ખોટો છે. જોકે ઓલીના નિવેદન બાદ નેપાળના પૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટારાઇએ ટ્વિટ કર્યું હતું કે, આદિ કવિ ઓલી દ્વારા રચિત કળયુગની નવી રામાયણ સાંભળો. સીધી વૈકુંઠ ધામની યાત્રા કરો. બાબુરામના પૂર્વ મીડિયા સલાહકાર અને પ્રોફેસર કુંદન આર્યલે કહ્યું કે, શું ઓલી ભારતની ન્યૂઝ ચેનલો સાથે સ્પર્ધા કરી રહ્યા છે? નેપાળના વરિષ્ઠ પત્રકાર અમિત ઢકાલે કહ્યું કે, શ્રીલંકાનો ટાપુ નેપાળના કોશીમાં છે. તેની પાસે જ હનુમાન નગર પણ છે જેનું નિર્માણ વાનરસેનાએ પુલ બનાવવા માટે કર્યું હશે.
નેપાળના પૂર્વ નાયબ વડા પ્રધાન કમલ થાપાએ ટ્વિટ કર્યું કે, કોઇ પણ વડા પ્રધાનને આ પ્રકારનું આધારહીન અને અપ્રમાણિત નિવેદન ન આપવું જોઇએ. એવું લાગે છે કે ઓલી ભારત અને નેપાળના સંબંધો વધુ ખરાબ કરવા માગે છે. તેમને તણાવ દૂર કરવા માટે કામ કરવું જોઇએ.