નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે ‘ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી.’ આ પછી મેજર જનરલ ગફુરે લખ્યું છેઃ પાકિસ્તાની વાયુસેનાએ તત્કાળ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે ભારતીય વિમાનોએ ભાગવું પડ્યું. જોકે ભાગતાં ભાગતાં તેમણે ઉતાવળમાં પેલોડ ફેંક્યા કે જે બાલાકોટમાં પડ્યા.
અહીં સવાલ એ છે કે આ પેલોડ છે શું? પેલોડ એક ટેક્નિકલ શબ્દ છે, જેનો અર્થ થાય છે વિસ્ફોટક શક્તિ. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ મિસાઇલ, વિમાન, રોકેટ કે ટોરપીડો સ્વરૂપે વિસ્ફોટકને લઈ જવાની ક્ષમતાને પેલોડ કહે છે. કોઈ વિમાન કે મિસાઇલનો પેલોડ કેટલો છે એ જે તે વિમાન કે મિસાઇલની વિશેષતાને દર્શાવે છે. આથી જો કોઈ એવું કહે કે ભારતીય લડાકુ વિમાનોએ પેલોડ ફેંક્યા તો એનો મતલબ સ્પષ્ટ છે કે ભારતીય લડાકુ વિમાનોએ બોમ્બ ફેંક્યા.
ભારતે આ ઓપરેશનમાં મિરાજ-૨૦૦૦ વિમાનોનો ઉપયોગ કર્યો હોવાનું જાહેર થયું છે.
હવે જાણીએ મિરાજ વિમાનની કેટલીક ખાસિયતો...
• મિરાજ-૨૦૦૦ ફ્રાન્સની કંપનીએ બનાવેલું અત્યાધુનિક ફાઇટર જેટ છે. • ફ્રાન્સની કંપની દસો એવિયેશને આ વિમાનનું નિર્માણ કર્યું છે, આ જ કંપનીએ રફાલ જેટ બનાવ્યાં છે. • મિરાજ-૨૦૦૦ની લંબાઈ ૪૭ ફૂટ અને તેનું વજન ૭૬૦૦ કિલોગ્રામ છે. • મિરાજ-૨૦૦૦ વિમાન ૧૩,૮૦૦ કિલો દારૂગોળા સાથે ૨૩૩૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. • મિરાજ-૨૦૦૦ વિમાનોએ પહેલી વાર ૧૯૭૦ના દસકામાં ઉડાન ભરી હતી. તે ફોર્થ જનરેશન ડબલ એન્જિન મલ્ટિરોલ ફાઇટર જેટ છે. • મિરાજ-૨૦૦૦ મલ્ટિરોલ વિમાન હોવાથી એક સાથે ઘણાં કાર્યો કરી શકે છે. આ વિમાન દુશ્મનોનાં ઠેકાણાંઓ પર વધુમાં વધુ બોમ્બ કે મિસાઇલ ફેંકવા સક્ષમ છે. આ સિવાય વિમાન હવામાં દુશ્મનોનો મુકાબલો પણ કરી શકે છે. • મિરાજ લડાકુ વિમાન DEFA 55A ઓટોકેનન ગનથી સજ્જ છે, જે ૩૦ મિમી રિવોલ્વર પ્રકારની તોપ છે. આ તોપ પ્રતિ મિનિટ ૧૨૦૦થી ૧૮૦૦ રાઉન્ડ પ્રતિ મિનિટ ફાયર કરી શકે છે. • ભારતે ૮૦ના દસકામાં પહેલી વાર ૩૬ મિરાજ-૨૦૦૦ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. • કારગિલ યુદ્ધમાં આ વિમાનોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. • વર્ષ ૨૦૧૫માં કંપનીએ અપગ્રેડેડ મિરાજ-૨૦૦૦ લડાકુ વિમાન ભારતીય વાયુસેનાને સોંપ્યાં. • આ અપગ્રેડેડ વિમાનોમાં નવું રડાર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લાગેલાં છે, જેના કારણે વિમાનની મારક અને જાસૂસી કરવાની ક્ષમતામાં ઘણો વધારો થયો છે. • મિરાજ-૨૦૦૦માં ટ્વિન એંજિન છે. સિંગલ એંજિનને કારણે વિમાનનું વજન ઓછું રહે છે તે ખરું, પરંતુ એક જ એંજિન હોવાને કારણે એંજિન ફેલ અને વિમાન ક્રેશ થવાની આશંકા રહે છે. એકથી વધુ એંજિન હોય તો એક એંજિન ફેલ થઈ જાય તો અન્ય એંજિનથી કામ ચાલી શકે છે અને પાઇલટ તથા વિમાન બંને સુરક્ષિત રહે છે. • ફ્રાન્સે આ વિમાન માત્ર ભારતને જ વેચ્યાં છે એવું નથી. આજની તારીખમાં ૯ દેશોની વાયુસેના આ વિમાનનો ઉપયોગ કરે છે.