ટોરોન્ટોઃ ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા લાંબા સમથી તણાવ પ્રવર્તી રહ્યો છે, જે વીતેલા પખવાડિયે રાજદ્વારીઓની હકાલપટ્ટી બાદ વધ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું એકતરફી વલણ ત્યાં રહેતા ભારતીયોને અસર કરે છે. જોકે તેમનું આ પગલું દેશના અર્થતંત્ર માટે પગ પર કુહાડો મારવા જેવું સાબિત થઇ રહ્યું છે.
કેનેડામાં અંદાજે 2 લાખ 30 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વસે છે. આ વિદ્યાર્થીઓ દર વર્ષે ફી તરીકે રૂ. 2.10 લાખ કરોડ જમા કરે છે. ઉપરાંત, અહીં રહેતા વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ, રિઅલ એસ્ટેટનું ભાડું અને પરિવહનમાં ઘણું યોગદાન આપે છે. એટલું જ નહીં, લગભગ 100 કોલેજો તો માત્ર ભારતીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે. નિષ્ણાતોના મતે કેનેડાની 20ટકા અર્થવ્યવસ્થા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભારતીય વિદ્યાર્થીઓ અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જેમ, સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં આશરે પાંચ ગણી વધુ ફી ચૂકવે છે.
કેનેડા એમ્પ્લોયમેન્ટ સર્વિસ 2023ના રિપોર્ટ અનુસાર 2.10 લાખ ભારતીય વિદ્યાર્થી પણ જોબ સેક્ટરમાં છે. કોઈ પણ સ્થળાંતરિત વિદ્યાર્થીઓમાં આ સૌથી વધુ છે. કેનેડામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ છે.
ભારતીય કંપનીઓનું રૂ. 45 હજાર કરોડનું રોકાણ
ભારતીય કંપનીઓનું કેનેડામાં 2023 સુધીમાં રૂ. 45 હજાર કરોડનું રોકાણ છે. આમાંથી મોટા ભાગનું આઈટી સેક્ટરમાં છે. એવું કહેવાય છે કે ભારતીય કંપનીઓ 2028 સુધીમાં કેનેડાની સિલિકોન વેલી ગણાતી ટોરન્ટો-વોટરલૂમાં રૂ. 10 હજાર કરોડનું જંગી રોકાણ કરવા જઈ રહી છે. આ માટે કેનેડાના ઘણા સાહસિકોએ ભારતીય કંપનીઓ સાથે કરાર કર્યા છે. 2030 સુધીમાં રોકાણ 15 હજાર કરોડ થવાની આશા છે
વળતી કાર્યવાહીથી કેનેડાને જ નુકસાન
છેલ્લાં 17 વર્ષથી કેનેડામાં રહેતા ભારતીય બિઝનેસમેન રજત સૂદનું કહેવું છે કે ભારત તરફથી જવાબી કાર્યવાહીને કારણે કેનેડાને જ નુકસાન થશે. ભારતીય વિદ્યાર્થીઓ તેમજ અહીં રહેતા ભારતીયો લગભગ તમામ ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. દર વર્ષે અહીં આવતા નવા ભારતીયો કેનેડાના અર્થતંત્રને ફાયદો કરે છે. કેનેડા સરકારના તાજેતરના બેફામ પગલાની અસર બંને દેશો માટે પ્રતિકૂળ સાબિત થશે.