ટોરોન્ટોઃ કેનેડા વિઝા માટેની પડતર અરજીઓની સંખ્યા જ વધતી જ જઈ રહી હોવાથી વિશ્વભરના અનેક લોકો કેનેડા પહોંચી શક્યા નથી કે પછી કેનેડામાં જ અનિશ્ચિત ભાવિનો સામનો કરી રહ્યા છે.
સીઆઈસી ન્યૂઝના જણાવ્યા મુજબ વિશ્વભરના 24 લાખ વિઝા અરજદારોની અરજીઓ પડતર રહેલી છે. આ પૈકી લગભગ સાત લાખ ભારતીયોની વિઝા અરજી પડતર છે. આમાં એવા લોકો પણ છે કે જેમણે 10 વર્ષના વિઝાના રીન્યૂઅલ માટે અરજી કરી હોય, પરંતુ તેમની અરજી પણ પડતર જ રહી હોય. ભૂતકાળમાં તો વિઝા અરજી કર્યાના ત્રણ જ સપ્તાહમાં અરજી પર પ્રક્રિયા હાથ ધરાઈ જતી હતી.
વાસ્તવિક્તા એ છે કે કોવિડ-19 મહામારી શરૂ થયા પછી કેનેડામાં પડતર વિઝા અરજીઓની સંખ્યા વધતી જ રહી છે. ભારતના જાહેર એકમોના અધિકારીઓની કેનેડા મુલાકાત પણ તેથી કરીને અવરોધાઈ છે. કેનેડાની સરકાર પણ આ સમસ્યાથી વાકેફ જ છે. સરકાર વધુ સ્ટાફ રોકીને કામગીરીને વેગીલી બનાવવા વિચારી રહી છે.
કેનેડાના ઇમિગ્રેશન અધિકારીઓની એક ટીમ પણ વિલંબ સંબંધી કારણોનું સમાધાન શોધવા ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની છે. જોકે હકીકત એ છે કે વિઝા અરજીના નિકાલમાં થયેલા વિલંબને કારણે અનેક લોકોના જીવન પ્રભાવિત થયા છે. કેટલીક ઇમિગ્રેશન કંપનીઓનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં સ્થિતિ સુધરે તેવી શક્યતા જણાતી નથી.