ટોરોન્ટો: ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના પગલે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઘટવાના બદલે વધી રહ્યો છે તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની રહી છે. કેનેડામાં નોકરીની તક સતત ઘટી રહી હોવાના કારણો ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન છે. આઈસીઈએફ મોનિટર અનુસાર ગયા વર્ષના અંત સુધીમાં ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સક્રિય અભ્યાસ પરમિટ સાથે કેનેડામાં હતા, જે સંખ્યા આગલા વર્ષ કરતા 47 ટકા વધુ હતી. જોકે હવે કેનેડામાં નોકરીની તકો ઓછી થતાં તેમને અભ્યાસ પૂરો થયા પછી નોકરી મળવા અંગે ચિંતા સતાવી રહી છે.
ગયા વર્ષે ઉચ્ચ શિક્ષણ મેળવવા 2,26,450 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશ્યા હતા. જો આ આંકડાના આધારે જોઇએ તો, કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશતા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ભારતના હતા. ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીના આધારે પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે કેનેડામાં શિક્ષણના તમામ સ્તરે કુલ 8,07,750 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે જેમાંથી 5,51,405ને ગયા વર્ષે મંજૂરી મળી હતી.
ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા અને ભારત વચ્ચે સર્જાયેલા રાજદ્વારી તણાવની ચિંતા નથી, તેમને ચિંતા છે કે તેમના પરિવારે મહામુશ્કેલીએ તેમને કેનેડા શિક્ષણ માટે મોકલ્યા છે જેથી શિક્ષણ પૂરું થયા પછી સારી નોકરી મળે. જોકે હવે કેનેડામાં નોકરીની તકો ઓછી થઈ છે અને ગુજરાન ચલાવવા મેડિકલ ડિગ્રી ધરાવતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ કેબ ચલાવવાની અથવા સ્ટોર અને રેસ્ટોરાંમાં કામ કરવાની નોકર સ્વીકારી રહ્યા છે. વધુમાં કેનેડાના શહેરોમાં મોંઘવારીને કારણે તેમને નાનકડા ઓરડામાં રહેવાની ફરજ પડી રહી છે.
આ ઓછું હોય તેમ હવે ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. તેમની સમક્ષ વિદેશી જમીન પર ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો મોટો પડકાર ઊભો થયો છે.