ઓટ્ટાવાઃ કેનેડામાં પ્રધાનમંડળમાં સાત નવા ચહેરાને સામેલ કરતાં વડા પ્રધાન જસ્ટિને પહેલી જ વાર એક હિંદુ મહિલા સાંસદને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના કાયદા વિષયના પૂર્વ પ્રોફેસર અનિતા આનંદ ઉપરાંત ત્રણ શીખ ચહેરા પણ કેબિનેટમાં સામેલ છે. ત્રણ શીખ ચહેરામાં નવદીપ બૈન્સ (ઉં ૪૨), બાર્દિશ ચેગર (ઉં ૩૯) અને હરજિત સજ્જન (ઉં ૪૯)નો સમાવેશ થાય છે. ઓટ્ટાવામાં ૪૭ વર્ષના જસ્ટિનની ઉદારમતવાદી લઘુમતી સરકારના પ્રધાનોએ શપથ લીધા હતા. અનિતા આનંદ ઓન્ટારિયો પ્રદેશની ઓકવિલે બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓક્ટોબરમાં યોજાયેલી ફેડરલ ચૂંટણીમાં તેઓ ૩૩૮ બેઠકોના બનેલા હાઉસ ઓફ કોમનમાં પહેલીવાર પહોંચ્યા હતા. તેઓ જાહેર સેવાઓ અને સરકારી ખરીદી વિભાગનો કાર્યભાર સંભાળશે.