નવી દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ વધતી જઈ રહી છે. ભૂતકાળમાં ભારત પ૨ પાયાવિહોણા આરોપ લગાવનાર કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનોમાંથી અનેક ભારતીય કર્મચારીઓને હટાવી દીધા છે. આ સિવાય મુંબઈ, ચંડીગઢ અને બેંગલુરુ સ્થિત વાણિજ્ય દૂતાવાસમાંથી પણ તમામ કર્મચારીઓની છટણી કરી છે. કેનેડિયન હાઈ કમિશનના જનસંપર્ક કાર્યાલયે કહ્યું કે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા વર્ષે ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ નિર્ણય બંને દેશોના રાજદ્વારીઓની સંખ્યા સમાન કરવા માટે લેવાયો છે. ભારતમાં કેનેડાના વધારાના રાજદ્વારીઓ અમારી આંતરિક બાબતોમાં દખલ કરે છે.
કેનેડા દ્વારા કેટલા ભારતીય કર્મચારીઓને છૂટા કરાયા છે તેની સંખ્યા જોકે જાહેર કરાઇ નથી. જોકે તે 100 કરતાં પણ ઓછા છે. કેનેડિયન હાઈ કમિશને ભારતીય કર્મચારીઓને હટાવવાની જાણ કરતા કહ્યું કે અમે ભારતમાં અમારા નાગરિકોને સેવાઓ આપવાનું ચાલુ રાખીશું.