નવી દિલ્હીઃ હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો વણસેલા છે તેની વચ્ચે કેનેડામાં ભણતા લાખ્ખો વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો થયો છે. ત્યાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલાં ભારતીય વિદ્યાથીઓ અનુસાર તેમને એવા ઇ-મેલ મળ્યા છે કે જેમાં તેમની પાસેથી સ્ટડી પરમિટ, વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ જેવા મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ ફરીથી જમા કરવાનું કહેવાાયું છે અને તેમાં આંકડા અને હાજરીનો પણ સમાવેશ કરાયો છે.
વિદેશી વિદ્યાર્થીઓ માટે કામ કરતા કેનેડિયન સરકારી વિભાગ ઇમિગ્રેશન, રેફ્યૂજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ની આ ચળવળથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે કેમ કે તેમાંના ઘણા પાસે બે વર્ષની વૈદ્યતા ધરાવતાં વિઝા છે. આ ઘટનાક્રમ એવા સમયે નોંધાયો છે કે જ્યારે IRCC આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પોતાની નીતિઓને કડક બનાવી રહ્યું છે. હાલમાં તે કડક આર્થિક જરૂરિયાતો રજૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગામ કસવાનો પ્રયાસ કરી રહ્યું છે.