ઓટ્ટાવાઃ કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે વિદેશી વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય એવો ફાસ્ટ ટ્રેક વિઝા પ્રોગ્રામ તત્કાળ અસરથી બંધ કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે. એસડીએસ (સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ) નામે ઓળખાતા આ પ્રોગ્રામમાં વિઝાની પ્રક્રિયા ઝડપી હોય છે તથા વિઝા મંજૂરીનો દર પણ ઊંચો હોય છે. જોકે શુક્રવારે કેનેડા સરકારે એસડીએસનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો.
અગાઉ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમે વિદેશી વિદ્યાર્થીઓની પરમિટ્સમાં 35 ટકાનો ઘટાડો કરવાના છીએ. આગામી વર્ષે વધુ 10 ટકાનો ઘટાડો કરાશે. ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે ઇમિગ્રેશનના કારણે કેનેડાના અર્થતંત્રને લાભ થાય છે પણ કેટલાક તત્વો સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં છે તથા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. આ તત્વો સામે અમે કડક હાથે કાર્યવાહી કરીશું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોસ્ટમાં ટ્રુડોએ કહ્યું હતું કે અમે ટેમ્પરરી રેસિડન્ટ્સની સંખ્યામાં પણ ઘટાડો કરવા જઈ રહ્યાં છીએ. હાલમાં ભારત સરકાર સાથેના કેનેડાના કડવાશભર્યા સંબંધોના સંદર્ભમાં આ મહત્ત્વનો ઘટનાક્રમ છે. જોકે કેનેડા સરકારે દાવો કર્યો હતો કે અમે તમામ વિદેશી વિદ્યાર્થીઓ સાથે સમાન વ્યવહાર રાખીએ છીએ.
કેનેડામાં હાલ 4.27 લાખ ભારતીય વિદ્યાર્થી
કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા પ્રમાણે કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધારે છે. એક અંદાજ અનુસાર હાલ કેનેડામાં 4.27 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.