નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડા સતત ખોટું બોલી રહ્યું છે. પ્રથમ, કોઈ પુરાવા આપ્યા વિના તેણે ભારત પર નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો. આ પછી, જ્યારે ભારતીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા તાજેતરમાં કેનેડા પાસેથી તેનું મૃત્યુ પ્રમાણપત્ર માંગ્યું તો તેણે તે આપવાનો ઈનકાર કરી દીધો છે. હરદીપ સિંહ નિજ્જર ભારતીય મૂળનો કેનેડિયન નાગરિક હતો, અને જૂનમાં તેની હત્યા કરાઇ હતી. ભારતમાં એનઆઇએ દ્વારા નવ કેસોની તપાસ ચાલે છે, જેમાં નિજ્જર પર વિવિધ આરોપ હતા. દરમિયાનમાં, એનઆઇએએ કેનેડા પાસેથી નિજ્જરના મૃત્યુ પ્રમાણપત્રની માંગ કરી હતી જેથી કરીને તેની સામે ભારતીય અદાલતોમાં પેન્ડિંગ કેસોમાં કોર્ટને આ અંગે જાણ કરી શકાય.
એનઆઇએના સૂત્રોનું કહેવું છે કે કેનેડાના અધિકારીઓએ ભારત દ્વારા કરવામાં આવેલી માંગ પર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેનેડાએ પૂછ્યું હતું કે તેના નાગરિકનું મૃત્યુ પ્રમાણપત્ર માંગવાનો ભારતને શા માટે અધિકાર હોવો જોઈએ? એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે નિજ્જરનું મૃત્યુ પ્રમાણપત્ર શેર કરવાનો ઇનકાર કર્યો હતો.