નવી દિલ્હીઃ ભારતના આકરા રાજદ્વારી પગલાંઓ બાદ કેનેડાની ટ્રુડો સરકાર અને ત્યાંના આર્થિક નિષ્ણાતો ચિંતામાં છે. તેનું મોટું કારણ કેનેડામાં વસતાં 20 લાખ ભારતીયોનો અર્થતંત્રના દરેક ક્ષેત્રે દબદબો છે. કેનેડાના અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકો દર વર્ષે 3 લાખ કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપે છે. દર વર્ષે આશરે 75 હજાર કરોડ રૂપિયા તો ભારતથી આવતા બે લાખ વિદ્યાર્થીઓ માત્ર ફી સ્વરૂપે આપે છે.
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધારે છે. તેઓ કેનેડાના અર્થતંત્રમાં હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં કામ કરે છે. કેનેડાએ હાલમાં જ અમેરિકાના એચવન-બી વિઝાધારક ભારતીયો માટે ઓપન વર્ક પરિમટ જારી કરી છે. કેનેડાનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ટોરોન્ટો-વોટરલૂ આઇટી કોરિડોર છે અને અમેરિકાની સિલિકોન વેલીની તર્જ પર વિકસાવવાની યોજના છે. આ પ્રોજક્ટમાં ભારતીયોનું વર્ચસ્વ છે. ઓપન વર્ક પરમિટ પર આ વર્ષથી કામ શરૂ થશે. કેનેડા અહીં ચીનના બદલે ભારતીય પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપી રહ્યું છે. એટલે જ કેનેડાના વડાપ્રધાન ભારતની આકરી પ્રતિક્રિયાથી બચવા માગે છે.
કેનેડાના આ સેક્ટર્સમાં ભારતીયોનો પ્રભાવ
• પ્રોપર્ટીઃ કેનેડાના ઇમિગ્રન્ટ્સમાં સૌથી વધુ ભારતીય પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. ચીન બીજા નંબરે છે. ભારતીયો દર વર્ષે વેનકુવર, ગ્રેટર ટોરોન્ટો, બ્રેમ્પ્ટન, ઓન્ટારિયોમાં 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરે છે.
• આઇટી-રિસર્ચઃ સીઆઇઆઇના રિપોર્ટ અનુસાર વિવિધ ભારતીય કંપનીઓ કેનેડામાં મે 2023 સુધી 41 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે તથા 17 હજાર જોબ આપી ચૂકી છે.
• ટ્રાવેલઃ ભારતીય મૂળના 20 લાખ લોકો સ્વદેશ આવવા તથા પરિવારજનોને કેનેડાનો પ્રવાસ કરાવવા આશરે 60 હજાર કરોડ રૂપિયા વિવિધ ટ્રાવેલ એજન્સીને ચૂકવે છે.
• સ્મોલ બિઝનેસ: ગ્રોસરી સ્ટોર, રેસ્ટોરાં અને સર્વિસીસ જેવા સ્મોલ બિઝનેસમાં ભારતીયોએ 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઓન્ટારિયોમાં સ્મોલ બિઝનેસ સૌથી વધારે છે.