કેનેડાના ઓન્ટારિયોમાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ

Friday 11th April 2025 06:25 EDT
 
 

ગ્રેટર ટોરોન્ટોઃ કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરો પર હુમલાઓ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ઓન્ટારિયોમાં પોલીસે એવા બે આરોપીની શોધખોળ કરી રહી છે, જેમણે ગ્રેટર ટોરોન્ટો એરિયામાં હિન્દુ સમુદાયના શ્રી કૃષ્ણ વૃંદાવન મંદિરમાં તોડફોડ કરી છે. કેનેડામાં વસતા હિન્દુ સમુદાયના લોકોએ આ હુમલાને વખોડી કાઢયો છે અને સ્થાનિક હિન્દુ સમુદાયે આ ઘટનાના વિરોધમાં કેસ નોંધાવ્યો છે.
એક નિવેદનમાં પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. બે શંકાસ્પદ વ્યક્તિ ડાઉનટાઉન એરિયાના એક પબમાંથી મંદિર તરફ જતાં જોવા મળ્યા હતા. ત્યાર પછી આ લોકોએ ત્યાં પહોંચીને મંદિરની દિવાલો પર લાગેલા સાઇન બોર્ડને ફાડી નાંખ્યા હતા અને મંદિર પરિસરને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી.
પોલીસના કહેવા મુજબ, તેમણે સમગ્ર ઘટનાક્રમને લઈને ઝડપભેર તપાસ કરી રહી છે. હાલ, બન્ને આરોપીઓની ધરપકડ કરવા માટે આકાશપાતાળ એક કરાઇ રહ્યા છે. પોલીસે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ધરપકડ માટે આરોપીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ હુમલાઓ ક્ષેત્રમાં હિન્દુવિરોધી માનસિકતા રજૂ કરે છે. ગુનેગારોએ મંદિરની સામે લાગેલા સાઈનબોર્ડને ખૂબ ખરાબ રીતે ફાડી નાંખ્યું હતું.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને કહ્યું કે આ ઘટના એરિયામાં વધી રહેલા ઉદ્દામવાદનો ઉદય દર્શાવે છે. સરકારે તેના વિરોધમાં પગલાં ભરવા જોઈએ અને ગુનેગારોને આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter