ઓટ્ટાવાઃ કેનેડામાં કરાયેલા એક સર્વેમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમની લિબરલ પાર્ટીની લોકપ્રિયતા અંગે ચોંકાવનારી બાબતો જાણવા મળી છે. સર્વે અનુસાર દેશના ધાર્મિક સમુદાયોમાં ટ્રુડોની લોકપ્રિયતામાં અને શાખમાં ભારે ઘટાડો થયો છે. ખાસ કરીને મુસ્લિમ અને યહૂદીઓ ટ્રુડોથી ખાસ્સા નારાજ છે. તો શીખ અને હિન્દુ સમુદાય પણ નારાજ છે.
મુસ્લિમ અને યહૂદીઓ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ટ્રુડોથી દૂર જઇ રહ્યા છે. એંગસ રીડ ઈન્સ્ટીટ્યૂટના સર્વેમાં કહેવાયું છે કે મુસ્લિમ અને યહૂદી મતદાતા લિબરલ્સ પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે જ્યારે થોડા સમય પહેલા સુધી તેઓ આ સમુદાયની પહેલી પસંદ હતા. સર્વે અનુસાર આ સમુદાયની નારાજગી ટ્રુડોને ભારે પડી શકે છે. કેનેડામાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ટ્રુડોની જીત મુશ્કેલ લાગી રહી છે. સર્વેમાં 42 ટકા યહૂદી મતદાતાઓ માટે કન્ઝર્વેટીવ પાર્ટી જ્યારે 33 ટકા મતદાતાઓ માટે લિબરલ પાર્ટી પહેલી પસંદ છે. ટ્રુડોની પાર્ટી કેનેડિયન મુસ્લિમો વચ્ચે એનડીપીથી 41 ટકાની તુલનામાં 31 ટકા ટકાથી પાછળ છે. સર્વે અનુસાર હિન્દુ અને શીખ સમુદાય વચ્ચે પણ ટ્રૂડોએ પોતાની લોકપ્રિયતા ગુમાવી છે. અહેવાલો અનુસાર લિબરલ્સ પાર્ટીના રાજકારણમાં પ્રવાસીઓનું ખુબ જ મહત્ત્વ રહ્યું છે.