નવી દિલ્હીઃ કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ચોરી પૈકી એકમાં આશરે 3 કરોડ કેનેડિયન ડોલરના મૂલ્યનું 6600 ઈંટ સોનું ચોરાયું હતું. કેનેડાની તપાસ એજન્સીઓને હવે આ સોનું પાછું મળવાની શક્યતા દેખાતી નથી. તેને આશંકા છે કે આ સોનાનો મોટો હિસ્સો ભારત કે પછી દુબઈ પહોંચી ગયો છે, જ્યાં સોનું ઓગાળીને તેના સીરિયલ નંબર સહિતની ઓળખ ખતમ કરી નંખાઇ છે. ઉલ્લેખનીય છે કે આ ચોરીમાં ભારતીય મૂળના કેટલાક કેનેડાના નાગરિકો ઉપર ચોરીનું આળ પણ મૂકાયું છે. સોનાની આ 6600 ઈંટો ગત વર્ષે 17 એપ્રિલે ટોરોન્ટોનાં પિયરસન એરપોર્ટ ઉપર એર કેનેડા કાર્ગો ટર્મિનલમાંથી ચોરાઇ હતી. કેનેડાના અખબારી અહેવાલો પોલીસને ટાંકીને દાવો કરે છે કે સોનાની આ સૌથી મોટી ધાડમાં હવે કદાચ પગેરું મળશે નહીં કેમ કે આ સોનાને પીગાળીને દુનિયાના વિવિધ ભાગમાં પહોંચાડી દેવાયું છે. ચોરી પછી તુરંત જ સોનું ભારત અને દુબઈ પહોંચી ગયું હતું અને તેને કેનેડામાં વધુ દિવસો રાખી મૂકાયું નહોતું.