નવી દિલ્હીઃ વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે અરજી કરી ચૂકી છે. 2023માં પણ કેનેડામાં બેન્ક્રપ્સી ફાઇલિંગમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
કેનેડામાં હાલ બેન્કરપ્સી માટે અરજી કરી રહેલી કંપનીઓનો આંકડો છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ છે. કોરોનાકાળમાં કંપનીઓને વગર વ્યાજે 45-45 હજાર ડોલરની લોન અપાઈ હતી, જેની પરત ચુકવણીની સમયમર્યાદા જાન્યુઆરી, 2024માં પૂરી થઈ હતી. કેનેડાના જીડીપીમાં નાની કંપનીઓની અંદાજે 33 ટકા હિસ્સેદારી છે. ગત વર્ષે કેનેડાના રાષ્ટ્રપ્રમુખ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ગત સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ વખતથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રુડો વચ્ચે મુલાકાતમાં મોદીએ ટ્રુડોને કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ રોકવા માટે પૂરતા પગલાં ભરવા જણાવ્યું હતું. જોકે ટૂડો જી-20 સમિટ બાદ કેનેડા પરત ફરતાની સાથે જ ખૂબ આક્રમક જણાતા હતા. તેમણે ભારત પર કેનેડાના રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે નિજજરની હત્યાનો મુદ્દો પણ ઉઠાવતાં કહ્યું હતું કે તે કેનેડાનો નાગરિક હતો અને તેની હત્યા ભારત દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો.