ટોરોન્ટોઃ કેનેડાની ટુડો સરકાર દ્વારા ઈમિગ્રેશનની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આને કારણે કેનેડામાં રહેતા અને સ્ટડી વિઝા પર અભ્યાસ કરવા જવા માંગતા ભારતીયોને માઠી અસર થશે. કેનેડામાં હાલ બેકારીનું પ્રમાણ વધી ગયું છે. આ ઉપરાંત ઇમિગ્રન્ટસની સંખ્યામાં વધારો થવાને કારણે ત્યાં હાઉસિંગ સમસ્યા વકરી રહી છે. મકાનોનાં ભાડાં મોંઘા થયા છે. લોકોને રહેવા માટે જગ્યા મળવી મુશ્કેલ છે. આથી હાઉસિંગ અને સોશિયલ સર્વિસિસ પરનો બોજ ઘટાડવા માટે ટુડો સરકારે ઈમિગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છ. કેનેડા કાયમી નિવાસીઓ માટેનો સ્લોટ ઘટાડીને 3,65,000 કરવા માંગે છે. નવા પ્રતિબંધોને કારણે વર્ક વિઝા અને સ્ટડી વિઝાની સંખ્યામાં પણ ઘટાડો થશે.
ટ્રુડો સરકારે ગુરુવારે ઇમિગ્રેશન નીતિમાં ધરખમ ફેરફારો કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ આગામી ત્રણ વર્ષમાં સ્થાયી અને અસ્થાયી ઇમિગ્રન્ટસની સંખ્યા 2027 સુધીમાં ઘટાડીને 3,65,000 કરવામાં આવશે. સરકાર અને કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે નીતિમાં ફેરફાર કરવાથી મકાનો અને સામાજિક સેવાઓ પરનું દબાણ ઘટશે. પણ ત્યાંનાં ઉદ્યોગોને એવી ચિંતા છે કે ઈમિગ્રન્ટસની સંખ્યા ઓછી થતા જે સેક્ટરમાં શ્રમિકોની અછત છે તેવા ક્ષેત્રો પર માઠી અસર થશે. ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર જતા હોય છે. ડાયરેક્ટ પી.આર. પર પણ ઘણા પ્રોફેશનલ જાય છે. તેમને અસર થશે.