ટોરન્ટો: કેનેડાના સાસ્કેચવાન પ્રાંતમાં રવિવારે બે સમુદાયો વચ્ચેના વિવાદમાં ખંજરબાજી થઈ ગઈ. બંને સમુદાયો વચ્ચે વિવિધ સ્થાને વિવાદ સર્જાયા પછી થયેલી ખંજરબાજીમાં 10 લોકોના મૃત્યુ થયા હતા તો 15 લોકોને ઈજા પહોંચી હતી. સહાયક કમિશનર રોન્ડા બ્લેકમોરે જણાવ્યું હતું કે 13 જેટલા સ્થળે મૃતકો કે ઘાયલ મળી આવ્યા છે. ઘટના સ્થળને જોતાં એવું લાગે છે કે કેટલાક લોકોને ઇરાદાસર ઘેરી લઇને નિશાન બનાવવામાં આવ્યા હતા. તો કેટલાક લોકો પર અચાનક હુમલો થયો હતો. તેમણે કહ્યું હતું કે હુમલાના કારણ વિષે હાલમાં કાંઈ પણ કહેવું ઉતાવળું પગલું મનાશે.
કેનેડાની પોલીસના જણાવ્યા મુજબ બે શકમંદોની શોધ ચાલી રહી છે. કહેવાય છે કે હુમલાખોરો હુમલો કર્યા પછી કારમાં ફરાર થઈ ગયા હતા. બંને હુમલાખોરની ઓળખ માઇલ્સ (30) અને ડેમિયન સેંડરસન (31) તરીકે થઈ ચૂકી છે.
નેશ્વેલ્ડન ગામે તેમજ સાસ્કેચેવાન પ્રદેશના ઇશાન વિસ્તારમાં ખંજરબાજીની ઘટના નોંધાઈ હતી. ઘાયલ લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ત્રણ હેલિકોપ્ટર કામે લગાડવામાં આવ્યા હતા. બંનેના વાળનો રંગ કાળો છે અને આંખ ભૂરી છે. સાસ્કેચેવાનમાં પોલીસે સવારે એક એલર્ટ જારી કર્યું હતું. પોલીસને જાણકારી મળી હતી કે કેટલીક જગ્યાએ ખંજરબાજીની ઘટના બની હતી. એક સ્થાને ખંજરબાજીની જાણકારી મળ્યા પછી અલગઅલગ 13 સ્થાને ખંજરબાજીની ઘટનાઓ સામે આવી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘કેનેડાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી ભયાવહ હુમલો હતો.’ તેમણે પીડિતો પ્રતિ સંવેદના જાહેર કરી હતી.