કેનેડામાં BAPS મંદિરની દીવાલો પર ભારતવિરોધી લખાણ

Wednesday 21st September 2022 05:09 EDT
 
 

ટોરેન્ટો: ટોરોન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. કેનેડાસ્થિત ભારતીય મિશને આ ઘટનાની આકરી નિંદા કરીને આ ઘટના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા કેનેડા સરકાર સમક્ષ માગણી કરી છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ક્યારે બની તેના સમયની જાણકારી મળી શકી નથી.
ભારતીય હાઈકમિશને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ટોરોન્ટો સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારતવિરોધી ચિત્રણની કડક નિંદા કરીએ છીએ. અમે કેનેડાના સત્તાવાળાને વિનંતી કરી છે કે ઘટનાની તપાસ કરવામાં આવે અને તાકીદે કાર્યવાહી કરવામાં આવે.
ભારતીય મૂળના કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કેનેડામાં રહેતાં ખાલિસ્તાની તત્વોએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કરેલા કૃત્યને તમામ લોકોએ વખોડી કાઢવું જોઈએ. આ એકમાત્ર ઘટના નથી. છેલ્લાં ઘણાં સમયથી આ પ્રકારના હેટ ક્રાઇમ દ્વારા કેનેડામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. કેનેડામાં વસતા હિન્દુઓ આ બાબતે ખરેખર ચિંતામાં છે.
બ્રેમ્પ્ટન સાઉથનાં સંસદસભ્ય સોનિયા સિધુએ આ ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કે, ટોરોન્ટોમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં થયેલા આ કૃત્ય હું ઘણી દુઃખી થઈ છું. આપણે એક વૈવિધ્યસભર સંસ્કૃતિમાં રહીએ છીએ, જ્યાં પ્રત્યેક વ્યક્તિને સુરક્ષિત હોવાનો અનુભવ થવો જોઈએ. આ ઘટનાના જવાબદાર લોકોને સજા અપાશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક આધ્યામિક સંગઠન છે. તે શ્રદ્ધા, એકતા અને નિઃસ્વાર્થ સેવાના હિન્દુ ધર્મના આદર્શની પ્રેરણા આપીને વ્યકિતગત વિકાસ મારફત સમાજમાં સુધારા પ્રત્યે સમર્પિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter