ટોરોન્ટો: કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં આવેલા જંગલોમાં ભયંકર આગ ફાટી નીકળી છે. આ ઘટનાના પગલે યુનાઇટેડ કન્ઝર્વેટિવ પાર્ટીના ચીફ ડેનિયલ સ્મિથે ઇમરજન્સીની જાહેરાત કરી છે. આગ અનિયંત્રિત ઝડપથી જંગલમાં ફેલાઇ રહી છે. 24 હજારથી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આગના કારણે સમગ્ર વિસ્તારનું તાપમાન પણ વધી ગયું છે. લોકોને બળતરાનો અનુભવ થઇ રહ્યો છે. આ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન પણ હોવાથી સત્તાવાળાઓને આ અંગે પણ ચિંતા સતાવે છે. સુરક્ષાના તમામ ઉપાયો છતાં આગ હજુ પણ બેકાબુ છે.
અલ્બર્ટા પ્રાંતમાં 110 સ્થળોએ આગ લાગેલી છે. જેમાં 36 નિયંત્રણની બહાર છે. વાઇલ્ડ ફાયર પ્રવક્તા ક્રિસ્ટી ટકરે જણાવ્યું હતું કે અહીંના લોકો ગરમ હવા અને ભયંકર ગરમીનો સામનો કરી રહ્યાં છે. ઝડપી પવનને કારણ આગ ઝડપથી ફેલાઇ રહ્યાં છે. ફાયર બિગ્રેડ ટીમ માટે રેસ્ક્યુ કરવુ ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. હવામાન સાથ આપી રહ્યું નથી. ક્યુબેક અને ઓન્ટારિયોથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ છે.
ડેનિયલ સ્મિથે એક દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે અલ્બર્ટાનો મોટા ભાગનો હિસ્સો ગરમ છે. લોકો બળતરા અનુભવી રહ્યાં છે. જંગલમાં આગ અને ઝડપી પવનને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ડ્રેટન વેલીમાંથી 7000 લોકોને બચાવવામાં આવ્યા છે.