ઓટ્ટાવાઃ કેનેડામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓનાં હુમલા પછી ભયનો માહોલ અને તંગદિલી સર્જાયા છે. ત્યાં વસતા હિન્દુ સમુદાયમાં સુરક્ષાનાં મામલે ડર અને ચિંતા જાગી છે. રવિવારે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા અલબર્ટામાં કેમ્પનું આયોજન કરાયું હતું પણ હુમલાના ડરથી કેમ્પ રદ કરાયો હતો. આ કેમ્પ વેનકુવર ખાતેનાં કોન્સ્યુલેટ દ્વારા યોજવામાં આવનાર હતો.
એક સરવેમાં જણાયું છે કે કેનેડામાં વસતા હિન્દુઓમાં સુરક્ષાને મુદ્દે ગભરાટ અને ભય ફેલાયા છે. કેનેડાની સરકાર પ્રત્યે હિન્દુઓને વિશ્વાસ રહ્યો નથી. થોડા દિવસોમાં એક પછી એક હિન્દુ મંદિરો પર કરાયેલા હુમલાઓને કારણે લોકોનો વિશ્વાસ ડગી ગયો છે. એવું જાણવા મળ્યું છે કે અલબર્ટામાં જ્યાં કેમ્પ યોજવાનો હતો ત્યારે દેખાવો કરવા ખાલિસ્તાનીઓ પહોંચી ગયા હતા. જેને સ્થાનિક પોલીસે થોડે દૂર રોક્યા હતા. શીખ ફોર જસ્ટિસે કહ્યું હતું કે અમે કેમ્પમાં અવરોધો સર્જીશું. કેનેડામાં લાઇફ સર્ટિફિકેટ કેમ્પનો વિરોધ કરીશું. ગ્રેટર ટોરન્ટોમાં યોજાનારા કેમ્પમાં પણ અવરોધો સર્જવામાં આવશે.
હિન્દુઓમાં નારાજગી
જે રીતે હિન્દુઓના કેમ્પ પર હુમલાની વાત કરવામાં આવે છે અને હુમલા કરાઈ રહ્યા છે તેને ધ્યાનમાં લેતા હિન્દુઓમાં નારાજગી જાગી હોવાનું ત્યાંના વિશ્વ હિન્દુ પરિષદના સરવેમાં કહેવામાં આવ્યું હતું. ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયાના 95 ટકા હિન્દુઓ હુમલા પછી સુરક્ષા સામે સવાલો કરી રહ્યા છે.