ઓટ્ટાવાઃ કેનેડાના ભારતીય મૂળના હિંદુ સાંસદ ચંદ્ર આર્યને ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કિંમત ચૂક્વવી પડી છે. શાસક લિબરલ પાર્ટીએ તેમની ટિકિટ રદ્દ કરી છે. આ પહેલા જસ્ટિન ટ્રુડોની પાર્ટી પર ખાલિસ્તાની સમર્થક હોવાના આક્ષેપો લાગ્યા હતા. હવે, તેમણે ખાલિસ્તાનીઓને કેનેડિયન સમસ્યા ગણાવનારા સાંસદની ટિકિટ રદ્દ કરી નાખી છે. ચંદ્ર આર્ય નેપિયન મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને સંસદ પહોચ્યા હતા. તેઓ લાંબા સમયથી કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. તાજેતરમાં એડમન્ટમાં એક કાર્યક્રમમાં તેમણે ખાલિસ્તાનીઓના વિરોધનો સામનો કરવો પડયો હતો. ચંદ્ર આર્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની ટિકિટ કાપવાના પાર્ટીના નિર્ણયને અત્યંત નિરાશાજનક ગણાવ્યો હતો.