વેનકુંવરઃ કેનેડામાં જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન પદેથી હટયા પછી પણ ખાલિસ્તાનીઓનો ભારતવિરોધી જુસ્સો એવોને એવો બુલંદ રહ્યો છે. વેનકુંવરનાં એક ઐતિહાસિક ગુરુદ્વારા પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તોડફોડ કરીને ભારતવિરોધી અને ખાલિસ્તાનતરફી સૂત્રો તેમજ નારા લખ્યા હતા. રોસ સ્ટ્રીટ ખાતે આવેલા ખાલસા દિવાન સોસાયટી ગુરુદ્વારામાં આ ઘટના બની છે. ખાલિસ્તાનીઓની કાયરતાભરી હરકત અંગે ગુરુદ્વારાનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, અલગતાવાદી શીખોનાં એક ગ્રૂપે અમારા પવિત્ર ગુરુદ્વારાની દિવાલોને દૂષિત કરી છે અને તેના પર ખાલિસ્તાની નારા લખ્યા છે. તેમણે કહ્યું કે ખાલસા સાજણા દિવસે અમે એકતાનાં સોગંદ ખાતા હોઈએ છીએ ત્યારે એક ગ્રૂપ દ્વારા કરાયેલી હરકત નિંદાને પાત્ર છે. કટ્ટરપંથીઓ શીખોમાં ભાગલા પડાવવા માંગે છે. તેઓ ખોફ જન્માવવા માંગે છે. કટ્ટરપંથીઓ આપણા વડવાઓ અને પૂર્વજોએ આપેલા બલિદાનને સમજી શકતા નથી. આપણા પૂર્વજોએ વિવિધતા અને સ્વતંત્રતા માટે તેમનાં બલિદાન આપ્યા હતા. અમે તેમાં ફાટફૂટ પડાવવા માંગતા લોકોને સફળ થવા દઈશું નહીં. આ ગુરુદ્વારા 1906માં બનાવવાયું હતું. ગયા રવિવારે બૈશાખી પ્રસંગે ત્યાં નગર કીર્તન અને પરેડનું આયોજન કરાયું હતું.
હિન્દુ મંદિરોને પણ ટાર્ગેટ બનાવ્યા
ખાલિસ્તાનીઓએ ગુરુદ્વારા ઉપરાંત સૂરી અને બ્રિટિશ કોલંબિયાનાં મંદિરોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. જોકે ત્યાં દીવાલો પર નારા લખી શક્યા ન હતા. લક્ષ્મીનારાયણ મંદિરનાં પ્રવક્તા પુરુષોત્તમ ગોયલે કહ્યું કે કેનેડામાં હિન્દુઓ અને શીખોમાં એકતા જાળવવા લક્ષ્મીનારાયણ મંદિર કાર્ય કરી રહ્યું છે. આથી મંદિરને પણ નિશાન બનાવાયું છે. આ કાવતરાનાં ભાગરૂપે નારા લખાય છે. કેટલાક લોકો અમારી વચ્ચે ફાટફુટ પડાવવા માંગે છે. 2023 અને 2024માં કેનેડામાં કેટલાક મંદિરો પર હુમલા કરાયા હતા. પોલીસ હજી સુધી આ હુમલાખોરોને પકડી શકી નથી.