ટોરોન્ટો: કેનેડાના ગ્રેટર ટોરોન્ટોના માર્ગો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હોર્ડિંગ જોવા મળી રહ્યા છે. તેમા લખ્યું છેઃ ‘કેનેડાને કોરોનાની વેક્સિન આપવા બદલ ભારતનો અને નરેન્દ્ર મોદીના આભાર.’ ભારતે કેનેડાને વેક્સિનના ૫ લાખ ડોઝ પુરા પાડ્યા હતા.
મોદીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે વાત કરીને તેમને કોરોના સામેથી લડાઇમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ ટ્રુડોએ કહ્યું હતું. કે કોરોના સાથે લડાઇમાં ભારતની વ્યાપક વેક્સિન ઉત્યાદનક્ષમતાનું યોગદાન મહત્ત્વપૂર્ણ હશે. કોરોના સંક્રમણના કપરા કાળમાં ભારતે દુનિયાના વિવિધ દેશોને કોરોનાની વેક્સિનના દુનિયાના વિવિધ દેશોને કોરોનાની વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે. યુએને પણ ભારતની સેવાભાવી નીતિના વખાણ કર્યા હતા. તાજેતરમાં ભારતે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોવિશિલ્ડ વેક્સિનના ૫ લાખ ડોઝનું પ્રથમ શિપમેન્ટ કેનેડા મોકલ્યું હતું. જેથી ભારત સાથે મૈત્રીના સંબંધોને પરિણામે ગ્રેટર ટોરોન્ટોમાં વડા પ્રધાન મોદીના ફોટાવાળા બિલબોર્ડ લગાવી અલગ અંદાજમાં આભાર વ્યક્ત કરાયો.
કેનેડામાં બિલબોર્ડ પર મોદીના ફોટો સાથે લખ્યું છે કે, ‘કેનેડાએ કોવિડની વેક્સિન આપવા બદલ ભારતનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. ભારત-કેનેડાની દોસ્તી અમર રહો.’
ભારત ટુંક સમયમાં કેનેડાને કોરોના વેક્સિનના વધુ ૨૦ લાખ ડોઝ પૂરા પાડવા જઇ રહ્યું છે. ત્યારે બંને દેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંદોએ સમગ્ર વિશ્વમાં ભારતની છબિ વધુ સારી અને મજબૂત બનાવી દીધી છે. કેનેડામાં વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મોદીને ફોન કરીને કેનેડાને કોરોનાની વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવા અપીલ કરી હતી. મોદીએ પણ તેની સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમના દોસ્ત ટ્રુડોના
ફોન આવતાં તેઓ ખૂબ ખુશ થયા હતા.