ઓટ્ટાવાઃ કેનેડામાં વસતા ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઇરલ થયો છે જેમાં ધોળા દિવસે એક ભારતીય મૂળની મહિલા પર ક્રૂરતાપૂર્વક હુમલો થતો જોવા મળે છે. આ વાઇરલ ઘટના કેનેડાના કેલગરીના સિટી હોલાબો કોલેજ સીટ્રેન સ્ટેશન પર બની હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે હુમલાખોર કેલગરીના રહેવાસી બ્રેડન જોસેફ જેમ્સ ફ્રેંચ ભારતીય મહિલા પર ક્રૂરતાથી હુમલો કરતો જોવા મળે છે. હુમલાખોર સૌથી પહેલા મહિલાની પાસે આવ્યો અને તેની પાણીની બોટલ છીનવી લઇ તેના ચહેરા પર પાણી ફેંકયું. ત્યારબાદ તેણે મહિલાનું જેકેટ પકડીને તેને કાચની દીવાલ સાથે અથડાવા લાગ્યો અને તેનો ફોન માંગવા લાગ્યો. ભારતીય મહિલા જોરથી ચીસો પાડવા લાગી પણ ઘટના સમયે સ્ટેશન પર હાજર ભીડમાંથી કોઇએ પણ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. થોડા સમય પછી હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં કેલગરી પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી.