ટોરોન્ટોઃ કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (પીઇઆઇ)એ કેટલાક દિવસ પહેલા તેની ઇમિગ્રેશન પરમિટમાં અચાનક જ 25 ટકા કાપ મૂકતાં અન્ય દેશોમાં અહીં ભણવા આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલમાં મુકાઇ ગયા છે. વહીવટી તંત્રના આ અણધાર્યા નિર્ણયથી ત્યાં રહીને ભણતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલાય તેવો ખતરો સર્જાયો હોવાથી તેમણે ભૂખ હડતાળના મંડાણ કર્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડિયન પ્રાંતે તેમની ઇમિગ્રેશન નીતિમાં અચાનક ફેરફાર કરતાં તેમને અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધા છે. બે ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંની સંસદમાં પણ આ અંગે વાત કરી છે.
તેમણે સંસદમાં જણાવ્યું હતું કે તમારી ઇમિગ્રેશન નીતિ કેમ અન્યાયપૂર્ણ છે. સંસદમાં રુપિન્દરપાલસિંહે જણાવ્યું હતું કે તેમણે કેનેડામાં પોતાના શિક્ષણ પર કેનેડિયન વિદ્યાર્થીઓની તુલનાએ ત્રણ ગણો વધારે ખર્ચ કર્યો છે. છતાં પણ તેમને બિનનિવાસી તરીકે તકલીફો ઉઠાવવી પડી રહી છે. તેમણે ઓન્ટારિયોમાં પોતાનું શિક્ષણ અને કેનેડામાં ટેક્સેશન બંને પર વધારાનો ખર્ચ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને એક કેનેડિયન નાગરિક તરીકે અધિકારની ખાતરી મળવી જોઇતી હતી.
રુપિન્દરપાલસિંહે જણાવ્યું હતું કે મારા મિત્રો અહીં કામ કરે છે તેમણે આ જ કોર્સ માટે 2500 ડોલરની ચૂકવણી ફક્ત બે સેમેસ્ટર માટે કરી છે. બધું મળીને મેં મારા ટયુશન પાછળ 30 હજાર ડોલરનો ખર્ચ કર્યો છે. તેની તુલનાએ કેનેડામાં જન્મેલા અને મોટા થયેલા વિદ્યાર્થીએ લગભગ 10 હજાર ડોલર ચૂકવ્યા છે. આમ મેં 20 હજાર ડોલર વધારે ખર્ચ્યા હોવા છતાં પણ હું ખરાબ સ્થિતિમાં છું. આ કેટલું યોગ્ય છે.
રુપિન્દરપાલસિંહ અને જસવિંદરસિંહ પ્રાંતીય સરકારને અનુરોધ કર્યા પછી સંસદમાં બોલતાં જણાવ્યું હતું કે તેમના વર્ક વિઝાનો સમયગાળો પૂરો થયા પછી તેમને પરત ન મોકલી દેવામાં આવે તે માટે યોગ્ય પગલાં લેવા જોઇએ. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં ઇમિગ્રેશનમાં 25 ટકા કાપ સામે ભારતીય વિદ્યાર્થીઓ દિવસ-રાત જોયાં વગર દેખાવો કરી રહ્યા છે.