ટોરોન્ટોઃ કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલા ફોર્ટ મેકમર્રે શહેરને અડીને આવેલા જંગલમાં લાગેલી ભયાનક આગને પગલે ૮૦ હજાર લોકોને શહેર છોડી સલામત જગ્યાએ જતા રહેવાના આદેશ અપાયા છે. કેનેડાના આ શહેરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ છે. આગને કારણે કોઈ ગુજરાતીને નુકસાન પહોંચ્યું નથી, પરંતુ રાતોરાત શહેરને ખાલી કરાવાતા તેમજ આસપાસના વિસ્તારોમાંથી પણ આગથી બચવા લોકો હિજરત કરી રહ્યા હોવાથી હાઇ-વે પર પણ ભારે ચક્કાજામ થયો હતો.
મંગળવારે રાત્રે સ્થિતિ વિકટ બનતાં આલ્બર્ટા સ્ટેટના લોકોને ઘરો ખાલી કરવાની ફરજ પડી હતી. એક સ્થાનિક રહેવાસીએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, હવે તમને તમારું ઘર જોવા નહીં મળે એવો ખ્યાલ રાખીને ઘર છોડવું ખરેખર મુશ્કેલ હોય છે.
ફોર્ટ મેકમર્રેમાં રહેતા અજય રાણાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે પરિસ્થિતિ ભારે ભયાનક છે. હાઈવે પર વાહનોની મોટી કતારો લાગી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. આગને કારણે લોકોને કરવી પડી રહેલી હિજરત આલ્બર્ટા રાજ્યના ઇતિહાસની સૌથી મોટું હિજરત માનવામાં આવે છે. આ વાઇલ્ડ ફાયર વધુ ભયાનક બને તેવી આગાહી હોવાથી લોકોને તેમના ઘરો સલામત રહેશે કે નહીં તેની ચિંતા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં સાઉદી અરેબિયા અને વેનેઝુએલા પછીનો સૌથી મોટો પેટ્રોલિયમ વિસ્તાર ધરાવતો પ્રદેશ અલ્બર્ટા સ્ટેટમાં આવેલો છે, અને નજીકમાં જ હજારો ચોરસ માઇલનો જંગલનો વિસ્તાર પણ છે. પ્રચંડ ગરમી અને સુસવાટાભેર ફૂંકાતા પવનોને કારણે જંગલોમાં આગ લાગી હોવાથી નજીકના શહેરો પણ ખતરો સર્જાયો છે. ૮૦ હજારથી વધુ લોકોને પોતાના ઘરબાર છોડીને જીવ બચાવવા ભાગવું પડ્યું છે.
અાલ્બર્ટા મેનેજમેન્ટના સ્કોટ લાગે કહ્યું હતું કે આ તીવ્ર ઝડપે ફેલાતી આગમાં અનેક બિલ્ડિંગોનો નાશ થઇ ગયો છે. ઊંચા તાપમાનમાં સુસવાટાભેર ફૂંકાતા પવનના કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી. સમગ્ર વિસ્તારના લોકો જ્યાંથી પસાર થઇ શકે છે એવો એક માત્ર હાઈવે નંબર ૬૩ છે, જેના પર ભારે ચક્કાજામ જોવા મળ્યો હતો. આકાશમાં ધૂમાડાના ગોટેગોટા છવાયા છે અને મકાનો પર તો રાખનો જાણે વરસાદ થઈ રહ્યો છે.