ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટોમાં શનિવારે વહેલી સવારે 3.45 વાગે હાઈવે 401 પર પેસેન્જર વાન અને ટ્રેક્ટર ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. અન્ય 2 ગંભીર ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભારતીય વિદ્યાર્થીઓ પેસેન્જર વાનમાં જતાં હતા ત્યારે તેમની વાન ટ્રેક્ટર સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રેલરના ડ્રાઇવરને કોઇ ઇજા થઇ ન હતી.
આ વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરન્ટો અને મોન્ટ્રિયલના હોવાનું જણાયું હતું. ક્વિન્ટ વેસ્ટ ઓન્ટારિયો પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિંદર સિંહ, કરનપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમારનું મૃત્યુ થયું હતું. પાંચેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતા. તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
ભારતના કેનેડા સ્થિત હાઇ કમિશનર અજય બિસારિઆએ મૃતક વિદ્યાર્થીઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઘાયલ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને તેમને શક્ય મદદનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પણ આ દુઃખદ ઘટના વિશે ટ્વિટ દ્વારા દુ:ખ વ્યક્ત કર્યું હતું.
કેનેડા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જાય છે. 2016માં 76075 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. 2018માં આ સંખ્યા વધીને 1,72,625 થઈ હતી. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ માત્ર બે વર્ષમાં કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 127 ટકાનો વધારો થયો છે. છેલ્લાં ત્રણ મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓને આ બીજો અકસ્માત નડ્યો છે.