ભરૂચ: કેનેડાના ન્યુ બ્રુન્સવિકની ઘણી કોલેજમાં ગુજરાતના અનેક યુવકો ભણી રહ્યા છે. ભરૂચના જુદા જુદા તાલુકાના ચાર યુવકોએ પણ ન્યુ બ્રુન્સવિક કોલેજના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લીધું હતું. ચારેય હોસ્ટેલમાં પણ એક જ રૂમમાં રહેતા હતા. ૩૧મી ઓગસ્ટે ચારમાંથી ત્રણ મિત્રોએ બહારગામ ફરવા જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ સ્થાનિક યુવકની કારમાં આઉટિંગ પર નીકળ્યા હતા. ન્યુ બ્રુન્સવિકના હાઈવે નંબર-૨ પરથી તેઓની કાર પસાર થતી હતી ત્યારે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. અકસ્માતમાં કાર કુચ્ચો વળી ગઈ હતી. આ અકસ્માતમાં બે ગુજરાતી યુવકોના સ્થળ પર જ મોત થયાં હતાં જ્યારે કારમાં બેઠેલા બીજા ત્રણને ઈજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું હતું. આ અકસ્માતમાં જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતા જેનિશ રાણા સહિત કુલ ત્રણ ગુજરાતી યુવકોનાં મોત થયાં હોવાનું માલૂમ પડ્યું છે. તેમાંથી એક અંકલેશ્વર અને બીજો ભરૂચનો યુવાન હોવાનું અહેવાલમાં જણાવ્યું હતું.
ફરવા નહીં જનારો વિદ્યાર્થી બચી ગયો
ન્યુ બ્રુન્સવિકની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો ત્યારે એક વિદ્યાર્થી રૂમ પર જ રોકાઈ રહ્યો હતો. આ બનાવ અંગે આઉટિંગ પર નહીં જનારા ગુજરાતી વિદ્યાર્થીએ મૃતકોના સ્વજનોને દુર્ઘટનાના સમાચાર આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.