નવી દિલ્હી: કેનેડામાં વડા પ્રધાન મોદીને ખાલિસ્તાનીઓ તરફથી મારી નાંખવાની ધમકી મળ્યા પછી જસ્ટિન ટ્રુડો સરકારે સાવચેતીના પગલાં રૂપે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દીધી હોવાના અહેવાલ છે. ઓટ્ટાવા અને વાનકુંવરના ઇન્ડિયન કોન્સુલ જનરલ અને સ્ટાફની સુરક્ષામાં વધારો કરાયો હતો. ટ્રુડોની સરારે માઉન્ટેડ પોલીસને સૂચના આપી હતી કે તેઓ ભારતીય દૂતાવાસના કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા સંભાળે. ઉલ્લેખનીય છે કે ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે દિલ્હીના ખેડૂત આંદોલન વખતે ઇન્દ્રજીત સિંહ બેઈન્સ નામના ખાલિસ્તાની તરફી સભ્યે વાનકુંવર ભારતીય દૂતાવાસની બહાર મોદીને મારી નાંખવાની ધમકી આપી હતી.
એક અન્ય ખાલિસ્તાની તરફીએ નરેન્દ્રસિંહ ખાલસાની સાથે ફેસબુકમાં પણ આ પ્રકારની પોસ્ટ કરી હતી. કોન્સુલ જનરલ દ્વારા કરાયેલી ફરિયાદની સાથે ધમકીનું ભાષાંતર પણ મોકલવામાં આવ્યું હતું.
કેનેડાના વિદેશ મંત્રાલયને લખેલા પત્રમાં ભારતીય દૂતાવાસે લખ્યું હતું કે, ભારતના વડા પ્રધાન મોદીને આપેલી મારી નાંખવાની ધમકી એ આતંકી કૃત્ય છે. તેમણે વિનંતી કરી હતી કે આ બાબતની સઘન તપાસ થવી જોઈએ. ઉપરાંત આવી ધમકી આપનાર સામે કડક હાથે કામ લેવું જોઈએ.