ટોરોન્ટોઃ કેનેડા જતા ભારતીયો આશા-અપેક્ષાના બોજ તળે દબાઇ રહ્યા છે. ત્યાં અભ્યાસ દરમિયાન કામ અથવા તો અપેક્ષિત નોકરી નહીં મળવાના કારણે ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓના સકંજામાં ભારતીય યુવાનો આવી રહ્યા છે.
કેટલાકે યુવા ભારતીયોએ તો હતાશ થઇને આત્મહત્યા પણ કરી લીધી છે. આંકડા મુજબ 2019માં આઠ ભારતીયોનાં અકાળે મૃત્યુ થયાં હતાં. આ સંખ્યા 2022માં વધીને 33 થઇ ગઇ હતી. આ વર્ષે તો સ્થિતિ હજુ જટિલ અને મુશ્કેલ બની ગઇ છે. 2023માં 36ના મોત થયા છે. છેલ્લા છ વર્ષમાં પાંચ ગણા મોત થયા છે.
હકીકતમાં કેટલાક એવા કિસ્સા સપાટી ૫૨ આવ્યા છે જેમાં દેશના સામાન્ય પરિવારોએ પોતાની જીવનભરની બચતને દાવ પર લગાવીને બાળકોને કેનેડા મોકલ્યા હતા. આમાંથી એક પંજાબના પટિયાલાનો અર્શદીપ વર્મા છે. તેના પરિવારે જીવનભરની મૂડી રૂ. 30 લાખની બચતને લગાવીને કેનેડામાં ઓન્ટારિયોના કોલેજમાં અર્શદીપને 2019માં પ્રવેશ અપાવ્યો હતો. એપ્રિલ 2022માં તેણે આત્મહત્યા કરી હતી. કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ગંભીર માનસિક આરોગ્યની સમસ્યાના કારણે પીડિત છે.
દરેક ત્રીજો વિદ્યાર્થી પરેશાન
કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ૫૨ ખાલસા એડ દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં કહેવામાં આવ્યું છે કે, દર 10 પૈકી ત્રણ વિદ્યાર્થીઓ માનસિક રીતે પરેશાન છે અથવા તો ડિપ્રેશનમાં છે. 10 પૈકી છ વિદ્યાર્થી ખરાબ આરોગ્યને લઇને પીડિત છે. ઇન્ટરનેશનલ શીખ સ્ટુડન્ટસ એસોસિયેશનના જસપ્રીત સિંહનું કહેવું છે કે યુવા વિદ્યાર્થીઓમાં સામાન્ય રીતે 19-20 વર્ષના હોય છે. આત્મહત્યા કરનારમાં મોટા ભાગના આ યુવા વર્ગના છે. આત્મહત્યાનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓને વર્ક પરમિટથી વંચિત રાખવાનું છે.