ટોરન્ટોઃ કેનેડાના લોકો સાથે આશરે રૂ. ૯૦.૬૮ કરોડની છેતરપિંડીના કેસમાં કેનેડિયન પોલીસે તાજેતરમાં ગુરિન્દરપ્રીત ધાલિવાલ (ઉં ૩૭) અને તેની પત્ની ઇન્દરપ્રીત (ઉં ૩૬)ની ધરપકડ કરી છે. ટેક્સ ખાતાના અધિકારીની ખોટી ઓળખ આપીને આ દંપતીએ હજારો લોકો સાથે છેતરપિંડી કરી છે. બંને સામે ફ્રોડ, મની લોન્ડરિંગના આરોપ છે.
આ દંપતીના પાર્ટનર શાંતનું માણિક (ઉં ૨૬) વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલે છે. માણિક ભારત ભાગી ગયો હોવાનું મનાય છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કહ્યું હતું કે, આરોપીઓ ૨૦૧૪થી આ કૌભાંડ ચલાવતા હતા. તેઓ કેનેડા રેવન્યુ એજન્સીના ઓફિસર તરીકે લોકોને ફોન કરીને કહેતા કે, તેમણે ટેક્સ ચૂકવ્યો નથી. જો તેઓ ટેક્સ નહીં ચૂકવે તો સજા થશે એવું કહીને નાણા પડાવતા હતા. ૨૦૧૯ સુધી તેમણે આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી હતી. ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે કુલ ૧૬.૮ મિલિયન કેનેડિયન ડોલર (આશરે ૯૦.૬૮ કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરાઈ છે. આ લોકોએ આ નાણા વિદેશોમાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા.