કેનેડામાં વડાપ્રધાન પદની રેસમાં ૩ ભારતવંશી

Wednesday 15th January 2025 11:47 EST
 
 

ટોરોન્ટો: કેનેડામાં માથે ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે જ વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોનું રાજીનામું આવી પડ્યું છે. આ સાથે દેશમાં સર્વોચ્ચ સ્થાનના દાવેદારોના નામોની ચર્ચા શરૂ થઇ છે, જેમાં ત્રણ ભારતવંશીના નામ મોખરે જોવા મળી રહ્યા છે. આ જોતાં લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આગામી ચૂંટણી પછી શું કેનેડાને હિન્દુ વડાપ્રધાન મળશે? કેનેડાના વડાપ્રધાન પદના દાવેદારોની યાદીમાં છેલ્લું નામ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યનું ઉમેરાયું છે. આર્યે વડાપ્રધાન પદ માટે પોતાની દાવેદારી નોંધાવી છે.
ચંદ્ર આર્ય હાલમાં કેનેડામાં સાંસદ છે, તેમના દાવાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે વર્ષ 1867થી કેનેડામાં 23 વડાપ્રધાનો બદલાયા છે. પરંતુ આજ સુધી કોઈ હિન્દુ, શીખ કે મુસ્લિમ વ્યક્તિ કેનેડાના વડાપ્રધાન બન્યા નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ચંદ્ર આર્યએ લખ્યું કે, ‘હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે આપણા દેશનું પુનર્નિર્માણ કરવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું. હું આવી સરકારનું નેતૃત્વ કરવા તૈયાર છું. આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એવી સમસ્યાઓ જે પેઢીઓથી જોવા મળી નથી. આનો ઉકેલ લાવવા માટે કઠિન પસંદગીઓની જરૂર પડશે.’

‘જો પક્ષ મને પસંદ કરે તો...'
ચંદ્ર આર્યે વધુમાં લખ્યું કે, ‘મેં હંમેશા કેનેડાના લોકો માટે શ્રેષ્ઠ કામ કરવા માટે સખત મહેનત કરી છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓના ભલા માટે સાહસિક નિર્ણયો લેવા જોઈએ. જો હું લિબરલ પાર્ટીનો આગામી નેતા ચૂંટાઈશ, તો હું મારા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને આમ કરી શકું છું.’

કોણ છે હિન્દુ સાંસદ ચંદ્ર આર્ય?
ચંદ્ર આર્ય મૂળ કર્ણાટકના છે. મે 2022માં કેનેડાની સંસદમાં તેમની માતૃભાષા કન્નડમાં ભાષણ આપતો તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. કેનેડાના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ચંદ્ર આર્ય કર્ણાટકના તુમકુટ જિલ્લાના વતની છે. તેમણે કૌશાલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને વર્ષ 2006માં કેનેડા ગયો હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ઇન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા. જ્યારે તેમણે કન્નડમાં ભાષણ આપ્યું, ત્યારે ભારતના ઘણાં રાજકારણીઓએ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ચંદ્ર આર્યએ ઘણી વખત ખાલિસ્તાની આતંકવાદીઓનો વિરોધ કર્યો છે.

અનિતા આનંદ અને જ્યોર્જ ચહલ પણ સ્પર્ધામાં

કેનેડાના નવા વડાપ્રધાન બનવાની રેસમાં કેનેડા મૂળના નેતાઓ સાથે ભારતીય મૂળના અન્ય બે નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ભારતવંશી સાંસદોમાં પ્રથમ નામ ટ્રુડો મંત્રીમંડળમાં સામેલ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને વર્તમાનમાં પરિવહન અને આંતરિક વ્યાપાર મંત્રી અનિતા આનંદનું છે. બીજું નામ ભારતવંશી લિબરલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ચહલનું છે.

કેનેડાનાં પરિવહન અને આંતરિક વ્યાપાર મંત્રી અનિતા આનંદનો જન્મ 1967માં નોવા સ્કોટિયામાં ભારતીય માતા-પિતાના ઘરે થયો હતો. તેના માતા- પિતા બન્ને ડોક્ટર હતાં. તેની માતા સરોજ પંજાબી હતી અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુના હતાં. અનિતા ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાનાં પ્રોફેસર રહી ચૂકી છે. તેઓ ટોરોન્ટો પાસેના ઓકવિલેમાંથી 2019માં સંસદની ચૂંટણી લડ્યાં હતાં અને જીતી પણ ગયા હતા. કોવિડ સમયે વેક્સિનની ખરીદીમાં અનિતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જ્યોર્જને વચગાળાના નેતા બનાવવાની ભલામણ
પીએમની રેસમાં બીજા ભારતવંશી લિબરલ સાંસદ જ્યોર્જ ચહલનું નામ છે. જોકે અનેક સાંસદોએ તેને વચગાળાના નેતા બનાવવાની ભલામણ કરી છે. જો ચહલને વચગાળાના નેતા બનાવાશે તો તેઓ આપોઆપ પીએમની રેસમાંથી બહાર થઈ જશે કેમ કે કેનેડાના નિયમો અનુસાર વચગાળાના નેતા વડાપ્રધાન પદની ચૂંટણી લડી શક્તા નથી. વ્યવસાયે વકીલ ચહલ કૈલગરી સિટી કાઉન્સિલરના રૂપમાં વિવિભન્ન સમિતિઓમાં કામ કર્યું છે. તેઓ પ્રાકૃતિક સંસાધનો પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ તથા શીખ કોક્સના અધ્યક્ષ પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter