ઓટ્ટાવાઃ અમેરિકા અને કેનેડામાં અભ્યાસ કરવાની સાથે ડોલરમાં કમાણી કરવાની આશાએ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા કે કેનેડાના વિઝા મેળવે છે. ગુજરાત સહિત ભારતમાં હજારો માતા-પિતા દેવું કરીને પણ તેમના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલે છે. આવા સમયે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેનેડાના બ્રેમ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટર અને ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ લાખોની કમાણીના સપના જોઈને કેનેડા જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે.
કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઇન લાગી છે. બે દિવસમાં 3000 થી વધારે લોકોએ અરજી કરી હોવાનું માનવામાં આવે છે. આ ફોટો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળમાં વધતી બેકારીની તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત આ બાબત એ ભારતીયો માટે ચિંતાજનક છે જે ભણવા અથવા નોકરી મેળવવા કેનેડા જવાના સ્વપ્ન જોઇ રહ્યાં છે કારણ કે વેઇટર અને નોકરની નોકરી માટે લાગેલી લાંબી લાઇનમાં મોટા ભાગના ભારતીયો છે.