ઓટ્ટાવાઃ ખાલિસ્તાની આતંકીઓને આશરો આપવાના મામલે તેમજ પોતાની ભૂમિ પર ખાલિસ્તાની આતંકવાદીઓને ટેકો આપીને ચળવળ ચલાવવાને મામલે ભારત સાથે સંબંધો વણસ્યા પછી કેનેડાએ હવે તેની ઇમિગ્રેશન પોલિસી વધુ કડક બનાવવાનું શરૂ કર્યું છે. કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા અને પીઆરના નવા કડક નિયમો બનાવ્યા છે. નવી કડક ઈમિગ્રેશન નીતિના ભાગરૂપે કેનેડાએ વર્ષ 2025માં વિદ્યાર્થીના માતાપિતા અને દાદાદાદી માટે નવી પરમેનન્ટ રેસિડન્સ (પીઆર) માટે સ્પોન્સરશિપ અરજી સ્વીકારવાનું બંધ કર્યું છે.
કેનેડાના ઈમિગ્રેશન રેફ્યૂજી અને સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા એવી જાહેરાત કરાઇ છે કે તે 2025માં ફક્ત 2024માં રજૂ કરાયેલી પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટસ પ્રોગ્રામ હેઠળ મળેલી ફેમિલી સ્પોન્સર-શિપની અરજીને જ પ્રોસેસ કરશે. 2025માં આ વિભાગ મહત્તમ 15,000 સ્પોન્સરશિપ અરજીઓ પ્રોસેસ કરશે તેવી ગણતરી છે.
કેનેડાના સિટિઝન્સ અને પરમેનન્ટ રેસિડેન્ટસ કે જેઓ તેમનાં માતાપિતા અને દાદાદાદીને કેનેડામાં તેમનાં લંબાવવામાં આવેલા સમયગાળા માટે પોતાની સાથે રાખવા માંગતા હોય તેમણે તેમનાં સગાઓને સુપર વિઝા દ્વારા સ્પોન્સર કરવાના રહેશે. તેમના સગાંઓ એક જ વખતમાં પાંચ વર્ષ સુધી કેનેડામાં તેમને મળવા માટે આવી શકશે.