ટોરોન્ટોઃ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચારનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં માસુમ બાળકના માતા-પિતા પણ ઘાયલ થયાં છે. લિકર શોપમાં થયેલી લૂંટના કેસમાં પોલીસ શંકાસ્પદ આરોપીનો પીછો કરી રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લૂંટ કેસનો શકમંદ પણ માર્યો ગયો છે. આ ભારતીય દંપતી ભારતથી કેનેડાની મુલાકાત આવ્યું હતું.
પોલીસે બીજી મેના રોજ જણાવ્યું હતું કે ટોરોન્ટોની પૂર્વે વ્હીટબાયમાં હાઈવે 401 પર સર્જાયેલા અકસ્માતમાં ચારેયને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયાં હતાં. ઓન્ટારિયોના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (એસઆઇયુ)એ જણાવ્યું હતું કે મૃતકોમાંથી એક 60 વર્ષીય પુરુષ અને એક 55 વર્ષીય મહિલા ભારતથી કેનેડાની મુલાકાતે આવ્યાં હતાં. જોકે પોલીસે મૃતકોના નામ જાહેર કર્યા નથી.
29 એપ્રિલે બનેલી ઘટના બાદ હાઇવે 401 ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે શિશુના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતા પણ આ જ વ્હિકલમાં મુસાફરી કરી રહ્યા હતાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માતાને ગંભીર ઇજા થઈ છે. સીબીસી ન્યૂઝે અહેવાલ આપ્યો હતો આ અકસ્માતમાં લૂંટના શંકાસ્પદ આરોપીનું પણ મોત થયું હતું. પોલીસે બોમેનવિલેમાં લિકર શોપની લૂંટના સ્થળેથી શકમંદનો પીછો કર્યો હતો અને 20 મિનિટ પછી શકમંદ તેની કાર્ગો વાનને હાઇવે 401 પર ટ્રાફિકથી વિરુદ્ધ દિશામાં પુરપાટ ઝડપે લઈ ગયો હતો.