નવી દિલ્હી: જસ્ટિન ટ્રુડો સરકારનું ખાલિસ્તાનીઓ સાથેનું કૂણું વલણ હવે કેનેડાના લોકોને પણ ખટકવા લાગ્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા પિએરે પોઈલીવારે કહ્યું કે જસ્ટિન ટ્રુડો દેશમાં ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છે. ટ્રુડો ખાલિસ્તાનીઓને સાથ આપીને દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે. ભારતવંશીઓએ 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ખાલિસ્તાનીઓ ત્યાં પહોંચી ગયા હતા અને કાર્યક્રમમાં ખલેલ ઊભી કરી હતી અને હિંદુઓ પાછા જાઓ જેવાં સૂત્રો પોકાર્યા હતાં. શીખ ફોર જસ્ટિસના સભ્યોએ પત્રિકાઓ ફેંકી હતી. ત્યાર બાદ કેનેડામાંના હિંદુઓ અને ખાલિસ્તાનીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. વિપક્ષે ખાલિસ્તાનીઓની આ પ્રવૃત્તિ સામે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ સહન નહીં કરાય. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિએરે પોઈલીવરે કહ્યું કે હિંદુઓને પણ પૂજાપાઠ અને પોતાના આયોજનોનો અધિકાર છે.
હિંદુ સંગઠનોએ આભાર માન્યો
કોએલિશન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા સંગઠનના અધ્યક્ષ ઋષભ સારસ્વતે હિન્દુ સમુદાયના સમર્થન બદલ પિએરે પોઈલીવારનો આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે તમે કેનેડામાં હિંદુફોબિયા છે તેવું જોયું તે બદલ આભાર. તમે કેનેડામાં હિંદુઓ સામેના પડકારો જાણ્યા છે. કેનેડામાં હિંદુ સમુદાય ઘૃણા અને હુમલાનો સામનો કરે છે.