નાઈરોબીઃ કેન્યા અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સમજૂતી પર સોમવાર 19 જૂને હસ્તાક્ષર કરાયા છે. નાઈરોબીમાં વેપાર વાટાઘાટો પર સહીસિક્કા સમયે ઈયુના ટ્રેડ કમિશનર વાલ્દિસ ડોમ્બ્રોવસ્કીસ, કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ રિગાથી ગાચાગુઆ હાજર રહ્યા હતા. હાલ કેન્યાની કુલ નિકાસનો લગભગ પાંચમો હિસ્સો ઈયુમાં જાય છે. ચીન સાથે તીવ્ર સ્પર્ધામાં આફ્રિકા સાથે ગાઢ આર્થિક સંબંધો બાંધવામાં ઈયુને સફળતા મળી છે.
ઈયુ-કેન્યા ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટને બહાલી અને અમલ પછી કેન્યાને તેના સૌથી મોટા બજાર ઈયુમાં ડ્યૂટી ફ્રી અને ક્વોટા ફ્રી એક્સેસ મળશે. ઈયુથી કેમિકલ અને મશીનરી જેવી કેન્યાની આયાતોને 25 વર્ષ સુધી ઉત્તરોત્તર ટેરિફ ઘટાડાની સુવિધા મળશે. જોકે, કેટલીક સંવેદનશીલ પ્રોડક્ટ્સને બાકાત રખાશે. કેન્યા મુખ્યત્વે ઈયુમાં વેજિટેબલ્સ, ફળો. ચાહ અને કોફી સહિત કૃષિપેદાશોની નિકાસ કરે છે. કેન્યાના 70 ટકાથી વધુ કટ ફ્લાવર્સ યુરોપ પહોંચે છે.
પ્રેસિડેન્ટ રુટોએ ઈયુને વર્લ્ડ બેન્ક પછી બીજા ક્રમના સૌથી વધુ મહત્ત્વના વિકાસ ભાગીદાર તરીકે ગણાવી કહ્યું હતું કે આ કરારથી દેશના ખેડૂતોને વેપારવૃદ્ધિની વધુ તક મળશે. ઈયુના ટ્રેડ કમિશનર ડોમ્બ્રોવસ્કીસે કહ્યું હતું કે ઈયુની કંપનીઓએ ગત દશકામાં કેન્યામાં 1 બિલિયન યુરો (1.1 બિલિયન ડોલર)નું રોકાણ કરેલું છે અને હવે યોગ્ય મંચ દ્વારા તેમાં વધારો થશે.