સ્ટોકહોમ,નાઈરોબીઃ ‘ઓલ્ટરનેટિવ નોબેલ પ્રાઈઝ’ તરીકે ઓળખાતો સ્વીડનનો રાઈટ લાઈવલીહૂડ એવોર્ડ કેન્યા અને કમ્બોડિયાના પર્યાવરણીય કર્મશીલો તેમજ ઘાનાના માનવઅધિકાર સંરક્ષક અને મેડિટેરિઅન સી-ભૂમધ્ય સમુદ્રમાં શરણાર્થીઓને બચાવતા ગ્રૂપ ‘SOS Mediterranee’ને એનાયત કરાયો છે. સ્ટોકહોમસ્થિત રાઈટ લાઈવલીહૂડ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, ‘2023ના એવોર્ડવિજેતાઓ જીવનને બચાવવા, પ્રકૃતિને રક્ષવા અને વિશ્વભરમાં કોમ્યુનિટીઓના જીવનના ગૌરવને સંરક્ષવા ખડે પગે રહ્યા છે. તેઓ લોકોના આરોગ્ય, સલામતી, સ્વચ્છ પર્યાવરણ અને લોકશાહીના લોકઅધિકારો માટે લડી રહ્યા છે.’
આ વર્ષના પ્રાઈઝ કેન્યાના ફીલિસ ઓમિડો તેમજ મધર નેચર કમ્બોડિયા અને SOS Mediterraneeગ્રૂપ્સને એનાયત કરાયા છે. તેઓમાં સરખા હિસ્સે રોકડ રકમ વહેંચાશે જે સલામતીના કારણોસર જાહેર કરાઈ નથી. વર્ષ 2023નો ઓનરરી એવોર્ડ ઘાનાના ડો. યુનિસ બ્રૂકમેન-એમિસાહને અપાયો છે.
ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ વર્ષે 68 દેશમાંથી 170 નોમિનેશન્સ આવ્યાં હતાં. એવોર્ડવિજેતાઓને સ્ટોકહોમ ખાતે 29 નવેમ્બરના સમારંભમાં એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડની સ્થાપના 1980માં સ્વીડિશ-જર્મન ફિલાન્થ્રોપિસ્ટ જેકોબ વોન ઉએક્સકલ દ્વારા કરાઈ હતી અને અત્યાર સુધીમાં 74 દેશના 190 મહાનુભાવને એવોર્ડ્ઝ એનાયત કરાયા છે.