નાઈરોબીઃ સફારી ઓપરેટર પંકજ શાહ સામાન્યપણે પર્યટકોને તેમના વતન કેન્યાના સૌંદર્યધામો દેખાડવામાં જ વ્યસ્ત રહે છે. જોકે, કોરોના મહામારીએ અર્થતંત્રને ખોરવી નાખી હજારો પરિવારોને આર્થિક તબાહીમાં ધકેલી દીધા છે ત્યારે પંકજભાઇ મધર ટેરેસાના કાર્યોથી પ્રેરણા મેળવી હજારો પરિવારોને ભોજન આપવાના સેવાયજ્ઞમાં લાગી ગયા છે.
બોક્સમાં ચોખા, લોટ, વટાણા અને દૂધ સહિતની રાહતસામગ્રી પેક કરી રહેલા યુવાનો પર નજર નાખતા પંકજભાઈ કહે છે કે, ‘એક વૃદ્ધ મહિલાએ આમને કહ્યું કે તેણે કેટલાયદિવસોથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો, તેના દીકરાઓ પાસે જ કોઈ કામ રહ્યું ન હોવાથી તેમણે મારાં દાણાપાણી બંધ કરી દીધા છે.’
કેન્યામાં ૧૨ માર્ચે કોરોના વાઇરસના પહેલા કેસે દેખા દીધી હતી. આ પછીના સપ્તાહે શાળાઓ બંધ કરી દેવાઈ, વેપાર-ધંધા બંધ થવા સાથે પરિવારોએ રાજધાની છોડી અને વિશાળ કેન્યન શહેરી વર્ગને ધબકતા રાખતા રોજમદારોનું કામ બંધ થઈ ગયું હતું. સરકારે જે લોકો ટેક્સ ભરી શકે તેવા ન હતા તેમના માટે રાહતો જાહેર કરી. અખબારોએ લોકડાઉનની હાકલો તો કરી પરંતુ, ઝૂંપડપટ્ટીઓમાં કંગાળ હાલતમાં ભૂખમરા સાથે જીવતા પરિવારો કોઈને યાદ ન રહ્યા.
પંકજભાઇ કહે છે કે, ‘લોકોમાં ભૂખ્યાં થવા સાથે રોષ-આક્રોશ પણ વધી રહ્યો હતો.’ કોઈએ તો આગળ વધી કામ કરવું જોઈએ તેમ વિચારી તેમણે મિત્રોનો સાથ માગ્યો. વાઇરસના કારણે બંધ કરાયેલી શાળાએ તેમનું મકાન હેડ ક્વાર્ટ્સ તરીકે ઉપયોગમાં લેવાં આપી દીધું. ત્રણ વર્ષ અગાઉ દેશની ૪૪મી જાતિ તરીકે સત્તાવાર માન્યતા પામેલી કેન્યાની એશિયન કોમ્યુનિટીએ પણ નાણાના ચેક્સ, ટ્રક્સ ભરીને ખાદ્યપદાર્થો અથવા નિકાસ માટે ઉગાડેલાં પરંતુ ફ્લાઈટ્સ બંધ થવાથી પડી રહેલા શાકભાજી સાથે મદદનો હાથ લંબાવ્યો. સતત ત્રણ સપ્તાહથી આ મદદ અભિયાન ચાલી રહ્યું છે.
શાહના સ્વયંસેવી મિત્રો પોતાને ‘ટીમ પંકજ’ તરીકે ઓળખાવે છે અને ૨૨ માર્ચે અભિયાન શરૂ થયાં પછી તેમણે ૨૪,૦૦૦ હેમ્પર્સ મોકલી આપ્યા છે. દરેક હેમ્પરમાં પાંચ સભ્યના એક પરિવારને બે સપ્તાહ સુધી ચાલી શકે તેટલી ખાદ્યસામગ્રી હોય છે. પંકજભાઈ ધનવાન કેન્યનોને ૪૦૦૦ કેન્યન શિલિંગ્સ (૪૦ ડોલર)નું દાન કરવા કહે છે જે તેમના માટે બે પિઝા અને વાઈનની એક બોટલના ખર્ચ સમાન હોય છે પરંતુ, તેમાંથી એક હેમ્પરનો ખર્ચ નીકળે છે. પંકજભાઇ કહે છે, ‘મારે તો અડધોઅડધ ધનવાન લોકો જ હેમ્પરનો ખર્ચ ઉઠાવવાની દરકાર કરે તે જોઈએ છે.’
પંકજભાઈનો ફોન કોમ્યુનિટી અગ્રણીઓ, ઈમામ્સ, ચર્ચના અગ્રણીઓ દ્વારા મદદ કરવા માટે સતત રણક્યા કરે છે. પંકજભાઇ પણ સંભવિત ભાગીદારોની પરીક્ષા કરે છે કે તેઓ બરાબર કામ કરી શકશે કે નહિ અને શરૂઆત ૧૦૦ બોક્સ જેટલા નાના પાયાના વિતરણથી કરે છે.
ગત સપ્તાહે તેમણે ડીપ સી સ્લમમાં બે લોરી ભરીને ખાદ્યપદાર્થો વિતરણ માટે મોકલી આપ્યા હતા, જ્યાં રહેવાસીઓને ઓરેન્જ ટોકન અપાયા હતા. તેઓ બોક્સીસ અને વેજિટેબલ્સની થેલીઓ લઈ જાય ત્યારે શાહીનું નિશાન પણ કરાતું હતું. તેમના સ્વયંસેવકો સગર્ભા અને બાળકો સાથેની મહિલાઓને સામાન લઈ જવામાં મદદરૂપ બન્યા હતા. ૨૯ વર્ષીય મેરી વાન્ગુઈએ જણાવ્યું હતું કે, ‘બાળકો ભૂખ્યાં હોય ત્યારે તેમને ભેટીને સુવાડી શકો નહિ.’
પંકજ શાહે અગાઉ કદી આ પ્રકારનું સહાય અભિયાન ચલાવ્યું નથી પરંતુ, તેમનો પ્રેરણાસ્રોત મધર ટેરેસા છે - જેમને તેઓ ત્રણ દાયકા અગાઉ નાઈરોબીમાં મળ્યા હતા. રોમન કેથોલિક સાધ્વીની જૂની પિકઅપનું વ્હીલ છુટું પડીને પંકજ શાહની નવીનક્કોર મર્સીડિસ સાથે ટકરાયું હતું.
આ અકસ્માતે ‘યુવાન તોફાની’ બિઝનેસમેન અને ગરીબોની દરકાર કરનારી વિશ્વપ્રસિદ્ધ મિશનરી વચ્ચે અશક્ય મિત્રતા ઉભી કરી. પંકજ શાહે ત્રણ મહિના સુધી તેમની સાથે સેવાકાર્ય કર્યું અને તેમના એક અનાથાશ્રમમાંથી બાળકીને દત્તક પણ લીધી. પંકજભાઇ કહે છે, ‘કોરોના વાઇરસ ત્રાટક્યા પછી તેમણે શું કર્યું હોત તેનો હું વિચાર કરતો રહ્યો અને મારા બાકીના જીવન માટે તેઓ જ પ્રેરણાસ્રોત છે.’