નાઈરોબીઃ કેન્યાની 26 વર્ષીય જર્નાલિસ્ટ રુકિઆ બુલ્લે 2024ના BBC કોમલા ડુમોર એવોર્ડના વિજેતા જાહેર કરાયાં છે. આ એવોર્ડના નવમા વિજેતા રુકિઆ બુલ્લે કેન્યાના નેશન મીડિયા ગ્રૂપ માટે કામ કરે છે અને હ્યુમન ઈન્ટરેસ્ટની સ્ટોરીઝના સ્પેશિયાલિસ્ટ છે. જર્નાલિસ્ટ તરીકે તેમનાં જીવન વિશે વિશ્વસનીય અને માહિતીપ્રદ કન્ટેન્ટ મારફત તેઓ ટિકટોક પર પણ વિશાળ ફોલોઈંગ ધરાવે છે. કેન્યન જર્નાલિસ્ટ લંડનમાં બીબીસી ટેલિવિઝન, રેડિયો અને ઓનલાઈન ન્યૂઝ ટીમ સાથે ત્રણ મહિના કામ કરશે.
આ એવોર્ડ ઘાનાના જર્નાલિસ્ટ અને બીબીસી વર્લ્ડ ન્યૂઝના પ્રેઝન્ટર કોમલા ડુમોરના માનમાં અપાય છે જેઓ 2014માં માત્ર 41 વર્ષની વયે મૃત્યુ પામ્યાં હતાં. તેમણે આફ્રિકાની આત્મવિશ્વાસી, ઉદ્યોગસાહસિકતા અને સહજબુદ્ધિની ઘણી અર્થસભર કથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. કોમલા ડુમોર આફ્રિકાનો ચહેરો બની ગયાં હતાં.
એવોર્ડના જજીસ પડકારરૂપ સ્ટોરીઝ રજૂ કરવાની બુલ્લેની મક્કમતા અને ક્ષમતાથી પ્રભાવિત થયા હતા. ગત વર્ષે સૌથી પ્રભાવશાળી 100 કેન્યન મુસ્લિમ્સની યાદીમાં સ્થાન મેળવેલાં બુલ્લેએ કહ્યું હતું કે,‘જર્નાલિસ્ટ તરીકે કદર ના થાય તો પણ તમે ઉત્કૃષ્ટ કામગીરી બતાવવા ઈચ્છો છો. આથી કોમલા ડુમોર એવોર્ડ થકી વિશ્વતખ્તા પર તમારો સ્વીકાર અતુલનીય રીતે માન્યતા આપે છે.’