નાઈરોબીઃ સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા હોવાનું કહેવાય છે. બાળકોનો જન્મની નોંધણી કરી શકાતી નથી કારણકે તેઓ લગ્ન વિના જન્મેલાં છે. તેમને મૂળભૂત અધિકારો અને તબીબી સંભાળસેવા પણ મળતાં નથી.
દસ્તાવેજોના અભાવે બાળકોને શાળામાં પ્રવેશ મળતો નથી. આ માતાઓ ‘સ્ટેટલેસ’ બાળકો હોવાથી તેમને દેશ છોડવાના વિઝા પણ મળતાં નથી. સાઉદી કાયદા હેઠળ લગ્ન વિના સેક્સ ગુનો ગણાય છે. પોલીસ અને જેલના ચક્કરમાંથી બચવાં આ મહિલાઓએ ઘરમાં જ બાળકોને જન્મ આપવો પડ્યો હતો. માઈગ્રન્ટ અધિકારોના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગલ્ફ દેશોમાં ‘દેશવિહોણાં’ બાળકોની સંખ્યા હજારોમાં થવા જાય છે.