નૌરોબી: કેન્યા સરકારને કોરોના સંકટ સામે લડવાના પડકારો વચ્ચે હવે ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. નૌરોબીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ઘણા લોકોએ ૧૪ દિવસ પૂરા છતાં બહાર નથી નીકળવા દેવાતા. ત્યાંથી નીકળવાના બદલામાં તેમની પાસેથી પૈસા માંગવામાં આવે છે. કહેવાય છે કે આ તેમની પાછળ થયેલા ખર્ચની વસૂલાત છે, પણ એવું નથી. આવો જ કિસ્સો વેલેન્ટાઇન ઓચોગો નામની વ્યક્તિનો છે. તે જણાવે છે કે, હું દુબઇમાં નોકરીમાંથી કાઢી મુકાયા બાદ કેન્યા પહોંચી તો એક યુનિ.ની સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં અન્ય પ્રવાસીઓ સાથે મને ક્વોરેન્ટાઇન કરાઇ હતી, પણ ૧૪ દિવસના ક્વોરેન્ટાઇન અને ૩ ટેસ્ટ નેગેટિવ આવવા છતાં મને બહાર નીકળવા ન દેવાઇ. મને જણાવાયું કે હું ૩૧ હજાર રૂ. ન ચુકવું ત્યાં સુધી મને જવા નહીં દેવાય. છેવટે ૪ હજાર રૂ.માં વાત નક્કી થઇ. હું ૩૨ દિવસે ત્યાંથી નીકળી શકી પણ હજું ઘણા લોકો ફસાયેલા છે. આ સ્થિતિ અંગે જાણ થતાં લોકો ટેસ્ટ માટે આગળ નથી આવી રહ્યા. છેલ્લા એક મહિનામાં ૫૦ લોકો ક્વોરેન્ટાઇન સેન્ટરમાંથી ભાગી ચૂક્યા છે. તદુપરાંત, સેન્ટરમાં ગેરવર્તણૂકના અને પૈસા મંગાતા હોવાના સમાચારો બાદ હવે લોકોના લક્ષણો જણાય તો પણ ટેસ્ટ કરાવવા આગળ આવતા નથી. તેથી સરકાર સક્રિય થઇ છે અને સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો કર્યો છે કે વ્યવસ્થા સુધારાઇ રહી છે. પૈસા માગવા પર રોક લગાવીશું.