કિસુમુઃ કેન્યામાં વિરોધ પક્ષના બહિષ્કાર વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ઉહુરુ કેન્યાટા સતત બીજી મુદત માટે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી યોજાયેલી આ ફેરચૂંટણી માટે ૨૬મી ઓક્ટોબરે મતદાન થયું હતું જેમાં કેન્યાટાએ ૯૮ ટકાથી વધુ મતો મેળવ્યા હોવાનું કેન્યાના ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું વિપક્ષના નેતા રાઇલા ઓડીંગાના સમર્થકો દ્વારા ચૂંટણી બહિષ્કારના એલાનથી મતદાનની ટકાવારી આશરે ૩૫ ટકા જ રહી હતી અને બે ડઝનથી વધુ બેઠકો પર મતદાન થયું નહોતું. ૨૬મીએ જ્યારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે હિંસક મારામારી શરૂ થઈ હતી. જેમાં ચાર નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં અને ઓછામાં ઓછા વીસ નાગરિકો ઘાયલ થયાં હતાં. વિપક્ષી નેતા રાયલા ઓડિંગાનો પ્રભાવ ધરાવતી ચાર કાઉન્ટીઓમાં જ હિંસાના બનાવો બન્યાં હતાં.
કુલ ૨૯૦ બેઠકોમાંથી ૨૫ બેઠકો પર મતદાન ન થતાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિશ્વનીયતા સામે પ્રશ્ન સર્જાયા છે. ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટમાં યોજાયેલી ચૂંટણીમાં કેન્યાટા જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા હતા. તે સમયે ઓડીંગાએ મોટા પાયે ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે ગોલમાલ થયાના આક્ષેપ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટના જજોએ મતોના આંકડામાં ‘અનિયમિતતા’ અને ‘ગોલમાલ’ની નોંધ લીધી હતી.
ફેરચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સંબોધન કરતાં કેન્યાટાએ ઓગસ્ટમાં મેળવેલા વિજય પર મંજૂરીની મહોર મારવા બદલ સમર્થકોનો આભાર માનવાની સાથોસાથ શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે પહેલી ચૂંટણીના પરિણામોને પડકારવા બદલ અને ગુરુવાર ૨૬ ઓક્ટોબરે યોજાયેલી ફેરચૂંટણીમાં ભાગ ન લેવા બદલ વિપક્ષી નેતા ઓડીંગાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.
સમર્થકોને ચૂંટણીપ્રક્રિયાનો બહિષ્કાર કરવાની અપીલ કરી હોવા છતાં ઓડીંગા ૦.૯૬
ટકા મતો મેળવીને ચૂંટણીમાં બીજા નંબરના વિજેતા તરીકે ઉભર્યા છે.