વોશિંગ્ટનઃ અમેરિકાના કેન્સાસમાં રવિવારે એક અજ્ઞાત બંધૂકધારીએ બારમાં આડેધડ ગોળીબાર કરતાં ચારનાં મોત નીપજ્યાં હતાં જ્યારે પાંચ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર બારમાં ઘૂસ્યો અને તેણે ગોળી છોડવા માંડી હતી. નવ લોકોએ ગોળી વાગી હતી જેમાંથી ૪ના મોત નીપજ્યા હતા અને પાંચ ગંભીર ઘાયલ થયા હતા.
ફેક્સ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ એવેન્યુ સ્થિત ટકીલા બારમાં રવિવારે ગોળીબારની ઘટના થઈ હતી. આ હુમલો કયા કારણસર થયોએ જાણવા મળ્યું નથી.
૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭માં ઓલાથેમાં જીપીએસ બનાવતી કંપની ગાર્મિનના એવિએશન વિંગમાં કામ કરતા ભારતીય ઇજનેર શ્રીનિવાસ કુચિબોતલાની હત્યા કરાઈ હતી. તેઓ ઓલાથેના ઓસ્ટિન બાર એન્ડ ગ્રિલ બારમાં હતા. એ વખતે યુએસ નેવીમાંથી નિવૃત્ત થયેલા એડમ પુરિન્ટન નામના માણસે વંશીય ભેદભાવની ટિપ્પણી કરીને ગોળીબાર કર્યો હતો જેમાં શ્રીનિવાસનું મૃત્યુ થયું હતું. અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. મહદંશે બાર કે પેટ્રોલ પંપ જેવા સ્થળોએ આ પ્રકારની ઘટનાઓ ઘટે છે. આમાં કેટલાય લોકોની જાન જાય છે.