યાઓન્ડેઃ વેસ્ટ આફ્રિકન દેશ કેમેરુનમાં માથાદીઠ હેલ્થ વર્કર્સનો વિશ્વનો સૌથી નીચો રેશિયો છે. ગયા વર્ષે મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયેલા આશરે ત્રીજા ભાગના તાલીમબદ્ધ ડોક્ટર્સ દેશ છોડી ગયા છે. જેના પરિણામે, દેશમાં હેલ્થ વર્ક્સની કટોકટી સર્જાઈ છે. કેમેરુનમાં ઓછાં વેતનથી ત્રસ્ત સંખ્યાબંધ ડોક્ટર્સ અને નર્સીસ યુરોપ અને નોર્થ અમેરિકામાં લોભામણી નોકરીઓ માટે દેશ છોડી જાય છે.
ડોક્ટર્સ અને નર્સીસનું કહેવું છે કે કેમેરુનમાં કામ કરવાની ઈચ્છા છતાં, પગાર અપૂરતો હોવાથી તેમણે અન્ય વિકલ્પો તરફ નજર કરવી પડે છે. ઘણા લોકોને નર્સ તરીકે ટ્રેનિંગ મેળવ્યા પછી પણ તબીબી ક્ષેત્રમાં સારું વેતન આપતી નોકરી મળતી નથી. કેમેરુનમાં નર્સ તરીકે કામ કરવામાં માસિક 60,000 CFA ફ્રાન્ક્સ અથવા 100 ડોલરથી ઓછું વેતન મળે છે. કેમેરુનમાં દર 10,000 વ્યક્તિએ નર્સની સંખ્યા 7 કરતાં પણ ઓછી છે. પડોશી નાઈજિરિયામાં આ રેશિયો બમણાથી વધુ અને કેનેડામાં 14 ગણાથી વધુ છે. બીજી તરફ, કેનેડામાં નર્સની 30,000થી વધુ નોકરીઓ ખાલી છે.
આફ્રિકાના ઘણા દેશોમાં કોવિડ મહામારી પછી હેલ્થ વર્કર્સની સંખ્યા વધી હોવાં છતાં, આશરે 75 ટકા આફ્રિકી દેશો હજુ મેડિકલ સ્ટાફની અછત અનુભવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2023ના રિપોર્ટ્સ અનુસાર હેલ્થકેર પ્રોફેશનલ્સ વિદેશ કામ કરવા જતા રહે તેનો રેશિયો ઊંચો છે.