નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડી કરીને નાસતાફરતા બિઝનેસમેન મેહુલ ચોકસીએ હવે આરોપ મૂક્યો છે કે એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેનું અપહરણ કરાયું હતું તે કેરેબિયન દેશને ભારત દ્વારા કોવિડ-૧૯ વેક્સિન પૂરી પાડવાના બદલામાં થયું હતું. આ કેરેબિયન દેશમાં ભારતે વેક્સિન સપ્લાઈ કરી હોવાનો રેફરન્સ આપતાં ચોકસીએ જણાવ્યું હતું કે, જ્યારે વેક્સિન આવી ત્યારે લોકોએ મને જણાવ્યું હતું કે તેઓ તારા બદલામાં વેક્સિન આપી રહ્યા છે. હું સારી રીતે સમજી શકું છું કે તેના આધારે મારા અપહરણનો પ્લોટ ઘડાયો હતો. ચોકસીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી સતત અફવાઓ સાંભળતો રહ્યો છું કે મારું અપહરણ કરી લેવાશે. તેણે ઉમેર્યું હતું કે, મને કહેવાયું હતું કે, એક વિમાન આવી રહ્યું છે. ઘણા લોકોએ પણ મને જણાવ્યું હતું કે, તેઓ મારા પર નજર રાખી રહ્યા છે અને મને બહાર ઉઠાવી જઇને મારી નાખશે.
રો એજન્ટોએ મારપીટ કર્યાનો આરોપ
ભાગેડુ ઝવેરીએ આરોપ મૂક્યો હતો કે ભારતીય જાસૂસી સંસ્થા રોના બે એજન્ટોએ જ એન્ટીગુઆમાં તેનું અપહરણ કર્યું હતું. ચોકસીના કહેવા પ્રમાણે તે પોતાની ગર્લફ્રેન્ડ બાર્બરાના ઘરે હતો. અપહરણ અગાઉ તેની સાથે મારપીટ પણ કરાઇ હતી. તેણે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મને વિશ્વાસ હતો કે તેઓ ગુરમિતસિંહ અને ગુરજિત ભંડાલ રો એજન્ટ હતાં.
ઉલ્લેખનીય છે કે ચોકસી ભારતમાંથી નાસી છૂટયા બાદ ૨૦૧૮થી એન્ટીગુઆ અને બાર્બુડામાં વસવાટ કરે છે. મે મહિનામાં તે ત્યાંથી લાપતા થઈ ગયો હતો અને પછી ૨૩ મેના રોજ પડોશી દેશ ડોમિનિકામાં તેને પકડી લેવાયો હતો. હાલમાં સારવાર માટે ડોમિનિકા કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો છે.