જોહાનિસબર્ગઃ કેલિબ મુર્ટોબોની ઊંચાઇ માત્ર ૩ ફૂટ ૭ ઇંચ છે, પણ માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેણે એવું શરીર સૌષ્ઠવ કેળવી લીધું છે કે જેનું સપનું દરેક બોડી બિલ્ડર સેવતો હોય છે. સિક્સ પેક એબ્સ અને બાઇસેપ્સ બનાવી ચૂકેલા કેલિબનું વજન માત્ર ૩૬ કિલો છે. તે અઠવાડિયામાં ૫ દિવસ જોહાનિસબર્ગના એક જીમમાં એક્સરસાઇઝ કરે છે. ૧૦ કિલો સુધી વજન સરળતાથી ઉપાડી લે છે.
કોંગોમાં જન્મેલો કેલિબ એક ડિસઓર્ડરનો શિકાર હોવાના કારણે તેનો વિકાસ સામાન્ય લોકોની તુલનાએ ઘણો ધીમો થાય છે. કેલિબ ૧૪ વર્ષનો હતો તે પછી તેની ઊંચાઈ વધી જ નહીં. તેણે ૧૨ વર્ષની ઉંમરે ઘરમાં જ બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. તે કોફી ટેબલ કે બુક્સ સહિત જે વસ્તુ મળે તે ઉપાડીને ટ્રેનિંગ શરૂ કરી દેતો. ૧૬ વર્ષનો થયો ત્યારે તેણે સ્થાનિક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન્સમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું. હવે તો તે તેનાથી બમણા કદના બોડી બિલ્ડરને હરાવવા પણ સક્ષમ છે.
દૃઢ નિર્ધારના જોરે
કેલિબ કહે છે કે હું બોડી બિલ્ડિંગ એટલા માટે કરું છું કેમ કે મને તે પસંદ છે. હું મારા બોડીને ગ્રો થતું જોવાનું પસંદ કરીશ અને સાથે જ એનર્જેટિક રહેવા પણ ઇચ્છીશ. મેં હવે અનુભવી લીધું કે શારીરિક અક્ષમતા છતાં મેં આ મુકામ હાંસલ કર્યો તેનાથી બીજા લોકોને પ્રેરણા મળશે. મેં બોડી બિલ્ડિંગ શરૂ કર્યું ત્યારે લોકોને વિશ્વાસ નહોતો કે મારા જેવો માણસ પણ બોડી બનાવી શકે છે. મને ખૂબ નેગેટિવ કમેન્ટ્સ સાંભળવા મળી પણ મને પોતાના પર ગર્વ છે કે મેં આ બધું હાંસલ કર્યું છે. હું કોઈ કોમ્પિટિશનમાં સ્ટેજ પર હોઉં છું તો મારું ફોક્સ જજીસ અને ઓડિયન્સ પર હોય છે, સામેના બોડી બિલ્ડર પર નહીં. તે સમયે હું બસ સારું પરફોર્મ કરવા વિચારું છું. મેં જે કંઈ મેળવ્યું છે તેનાથી હું ખુશ છું અને પ્રોફેશનલ બોડી બિલ્ડર બનવા માગું છું.