કેલે, લંડનઃ બ્રિટન અને ફ્રાન્સની સરહદે કેલેના કુખ્યાત ‘જંગલ’ કેમ્પમાં રહેતા માઈગ્રન્ટ્સને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. લગભગ ૭,૦૦૦ જેટલા રહેવાસીઓનું વસવાટ ‘જંગલ’ યુરોપની માઈગ્રેશન કટોકટીનું ચાવીરૂપ પ્રતીક બની ગયું છે. છેલ્લાં બે વર્ષથી ત્યાં રહેતા લોકો જેમને પોતાનું ઘર માનતા હતા તેવા ઝૂંપડા, ટેન્ટ્સ અને અન્ય કામચલાઉ આશ્રય સ્થાનોને સત્તાવાળા દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ‘જંગલ’ બંધ કરી દેવાયું છે અને ત્યાં તોડફોડની કામગીરી ચાલે છે.
કેલેમાં રાયટ સ્કવોડ સહિત ૨,૦૦૦થી વધુ પોલીસ ખડકી દેવાઈ છે. મોટાભાગના સુદાનીઝ અને એરિટ્રિયન સહિત ૨,૦૦૦થી વધુ રહીશોને બસ દ્વારા ફ્રાન્સની આસપાસના ૮૦ જેટલા વસવાટ કેન્દ્રો પર લઈ જવાયા હતા. હજુ આશરે ૫,૦૦૦ લોકો રહ્યા છે અને ફ્રેન્ચ ઓથોરિટી અને ચેરિટીઓ માને છે કે ૨,૦૦૦ જેટલા લોકો ત્યાંથી સ્થળાંતરનો વિરોધ કરશે અને તેને લીધે અથડામણ થવાની શક્યતા છે. આ વિસ્તારમાં સેંકડો બ્રિટિશ અને ફ્રેંચ અરાજકતાવાદીઓ હોવાનું મનાય છે.
ફ્રાન્સના યુકે ખાતેના રાજદૂત સિલ્વી બર્મેને જણાવ્યું હતું કે નવા કેમ્પ બને નહિ તેની તકેદારી માટે ફ્રેન્ચ પોલીસ ત્યાં ફરજ બજાવશે. તેમણે જણાવ્યું હતું,‘ સરકાર લોકોને કેલે પાછા ફરતા અટકાવવા માટે કૃતનિશ્ચયી છે. અમે તેમને આવવા દઈશું નહીં. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે કેલે તેમના માટે બંધ છે અને તેઓ આ દેશમાં આવી શકશે નહિ.’
નિરાશ્રિત બાળકોના સ્થળાંતરની ગતિ બાબતે ફ્રેંચ અને બ્રિટિશ સરકારો વચ્ચે તંગદિલીના અહેવાલો વચ્ચે બર્મેને જણાવ્યું હતું કે કેલેના સ્પેશિયલ સેન્ટરોમાં ૬૦૦ બાળકો સ્થળાંતરની રાહ જોઈ રહ્યા છે.