કિન્હાસાઃ યુએસ, બ્રિટિશ, કેનેડિયન અથવા બેલ્જિયન નાગરિકતા ધરાવતી 6 વ્યક્તિ સહિત 53 શકમંદ લોકો સામે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)માં નિષ્ફળ બળવા પછી ખટલો ચલાવાઈ રહ્યો છે. આરોપીઓને શુક્રવાર 7 જૂને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. નિષ્ફળ બળવામાં ભાગ લેવા સહિત અન્ય આરોપસર તેઓને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
રાજધાની કિન્હાસામાં સશસ્ત્ર લોકોએ પ્રેસિડેન્સી ઓફિસ પર કબજો જમાવ્યા પછી લશ્કરી દળોએ યુએસસ્થિત કોંગોલીઝ રાજકારણી ક્રિશ્ચિયન મલાન્ગાને ઠાર માર્યો હતો. ખટલા હેઠળના આરોપીઓમાં મલાન્ગાના 22 વર્ષીય પુત્ર માર્સેલ મલાન્ગા, અન્ય બે અમેરિકી નાગરિક તેમજ અન્ય ત્રણ વિદેશી પાસપોર્ટધારકો હતા. આ તમામ લોકો કોંગોલીઝ મૂળના છે. મિલિટરી ટ્રાયલનો પ્રથમ દિવસ કિન્હાસાની બહાર એન્ડોલો મિલિટરી પ્રિઝનના યાર્ડમાં તંબુ હેઠળ યોજાયો હતો. આરોપીઓને જજની સમક્ષ હાજર કરાયા હતા.
તમામ 53 આરોપી સામે ગેરકાયદે શસ્ત્રો રાખવા, ગુનાઈત ષડયંત્ર, ટેરરિઝમ, સરકારી સંસ્થાઓને અસ્થિર બનાવવા તેમજ દેશની અખંડિતાને અવગણવા સહિતના આરોપો છે જેમાંથી કેટલાક આરોપમાં મૃત્યુદંડ અથવા જેલની લાંબી સજાની જોગવાઈ છે. કોન્ગોએ વારંવારના સશસ્ત્ર સંઘર્ષો, દેશદ્રોહ અને જાસૂસીના કારણોસર માર્ચ મહિનામાં જ મૃત્યુદંડની સજા પર પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.