કિનશાસાઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે દાઝી ગયા હતા. કોંગોના મધ્ય પ્રાંતના નાયબ ગવર્નર અતાઉ મતુબુઆનાએ ઘટના બાદ જણાવ્યું હતું કે રાજધાનીથી ૧૩૦ કિ.મી.ના અંતરે સર્જાયેલી દુર્ઘટનાનો ભોગ બનેલાઓને બચાવી લેવા સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. પાટનગર કિનશાસા અને દેશના એકમાત્ર બંદરગાહ માતાદીને જોડતા એકમાત્ર હાઇવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. આ હાઇવે પર હંમેશાં ઓવરલોડ ટ્રક અને તેલ ટેન્કર દોડતા રહે છે. કોંગોમાં લાંબો સમય આંતરયુદ્ધ ચાલ્યું હોવાથી આ રસ્તા બિસ્માર છે. આ અગાઉ વર્ષ ૨૦૧૦માં પણ તેલ ટેન્કરે પલટી મારતાં ભભૂકી ઊઠેલી આગે ૨૩૦ લોકોનો ભોગ લીધો હતો.